જિલ્લાના કામરેજ તાલુકામાં પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી કરતા મોરથાના ગામ પાસે આવેલા એક લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા છે. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ૧૧ શખ્સોને નશાની હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામરેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોરથાના ગામની સીમમાં આવેલા મારબેલા ફાર્મ હાઉસમાં કેટલાક લોકો એકત્રિત થઈ દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે ફાર્મ હાઉસને ચારેબાજુથી ઘેરી લઈને ઓચિંતી તપાસ હાથ ધરી હતી. પોલીસ જ્યારે અંદર પ્રવેશી ત્યારે ત્યાં વિદેશી દારૂની બોટલો અને ખાણીપીણીની ચીજવસ્તુઓ સાથે મહેફિલ જામી હતી.
પોલીસે સ્થળ પરથી કુલ ૧૧ લોકોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા તમામ શખ્સો બારડોલી વિસ્તારના રહેવાસી છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સ્થળ પૂરું પાડવા બદલ પોલીસે ફાર્મ હાઉસના માલિક અને મેનેજરને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.










































