શહેરમાં વધતા ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રથી ચોરી કરવા આવતી બે મહિલાઓ ઝડપાઈ છે. રાત્રે પોલીસનો બંદોબસ્ત હળવો પડતાં જ વહેલી સવારે મહિલાઓ ચોરી કરવા નીકળતી અને મિનિટોમાં ઘરમાં હાથફેરો કરી રફૂચક્કર થઈ જતી. પોલીસે બાતમી આધારે બંને મહિલાઓને ઝડપી પાડી ત્રણ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શહેરમાં થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હતો. પોલીસ પણ આ ચોર ટોળકીને પકડવા દિવસ-રાત એક કરી રહી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બે મહિલાઓની બાતમી મળી હતી. જે આધારે પોલીસે રેડ પાડી ગોલ્ડન ચોકડી નજીકથી બે શંકાસ્પદ મહિલાઓને કોર્ડન કરી ઝડપી પાડી હતી.
પોલીસ પકડેલી બંને મહિલાઓને પોલીસ સ્ટેશન લાવી હતી અને પુછપરછ કરતાં આરોપી અકીલા પવાર (રહે. લોખંડી પાડા બોઇસર, પાલઘર) અને લીલી પવારે (રહે. પાલઘર રેલ્વે સ્ટેશન પાસે) ચોરીની ઘટનાઓની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે બંને સામે ત્રણ અલગ અલગ ચોરીની ઘટના અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ મહિલા આરોપીઓ પોતાના પતિ, સગાંઓ અને નાના બાળકો સાથે હાઇવે રોડના બ્રિજ પાસે પડાવ નાખીને રહેતા હતા. મહારાષ્ટ્રીયન ચોર મહિલાઓ ચોરી કરવા અનોખી તરકીબ અપનાવતી હતી. રાત્રે આ ટોળકી ભેગી થતી બાદમાં પ્લાન બનાવી જુદા-જુદા વિસ્તારમાં વહેંચાઈ જતી. સવારના સમયે જ્યારે પોલીસ પેટ્રોલિંગ હળવું હોય ત્યારે જે મકાનો ખુલ્લા હોય અથવા તાળું મારેલું ન હોય, તેવા મકાનો ટાર્ગેટ કરી કોઈને શંકા ના જાયે તે માટે બાળકો સાથે તેમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, રોકડ, લેપટોપ અને મોબાઈલ ફોનની ચોરી કરી રફુચક્કર થઈ જતી.
આ આરોપી મહિલાએ રાવપુરા ટાવર પાસે, પટણી મહોલ્લો, ડભોઇ રોડ, નંદવિહાર ફ્લેટ અને અમદાવાદી પોળ, કડવા શેરીના મકાનમાંથી રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી ૧,૩૮,૦૨૬ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.