ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામે શૈક્ષણિક ક્રાંતિ લાવવાના હેતુથી એક નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે. આશરે ૧૨,૦૦૦થી વધુની વસ્તી ધરાવતા અને ખેતી, મજૂરી તેમજ માછીમારી પર નભતા આ ગામમાં માધ્યમિક શાળા ન હોવાથી, દીકરીઓ સહિત અનેક બાળકો ધોરણ આઠ પછી અભ્યાસ છોડી દેવા મજબૂર બનતા હતા. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને સામાજિક એકતા જાગૃતિ મિશનના સંયોજક અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ કેવલસિંહ રાઠોડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત કરી સરકારી શાળા શરૂ કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતના આધારે શિક્ષણ વિભાગના સકારાત્મક અભિપ્રાય બાદ, વર્ષ ૨૦૨૬/૨૭ના રાજ્ય સરકારના બજેટમાં આ શાળાને મંજૂરી આપવામાં આવી છે. સંસ્થાના હોદ્દેદારોના સંયુક્ત પ્રયાસોથી મળેલી આ સફળતાને કારણે હવે પછાત વર્ગના બાળકોને પોતાના જ ગામમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઉત્તમ તક સાંપડશે.











































