વન મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતનો કાફલો ગીરમાં, જસાધાર કેર સેન્ટરમાં સિંહોની સઘન તપાસ

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરમાં ફરી એકવાર વનરાજોની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. ગીર પૂર્વ અને પશ્ચિમની ૧૯ રેન્જમાં વ્યાપક રોગચાળાનો ભય તોળાઈ રહ્યો છે, જેમાં ગીર પૂર્વની જસાધાર રેન્જ સૌથી વધુ પ્રભાવિત જોવા મળી રહી છે. તાજેતરમાં જ ૧૨ સિંહોના મોતના મામલે છેક દિલ્હી વડાપ્રધાન કાર્યાલય સુધી પડઘા પડતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને પગલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતનો ઉચ્ચ વન અધિકારીઓનો કાફલો તાબડતોબ ગીર દોડી આવ્યો છે. બીજી તરફ, જસાધાર એનિમલ કેર સેન્ટર નજીક આવેલા સ્મશાનમાં એક નાની ચિતા સળગતી જોવા મળતાં વન્યજીવ પ્રેમીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને કોઈ સિંહબાળનું મોત થયું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
હાલમાં જસાધાર અને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ૨૦ જેટલા સિંહો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સૌપ્રથમ જામવાળા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને મુખ્ય વન સંરક્ષક (ઝ્રઝ્રહ્લ) રતન નાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કટોકટીની બેઠક યોજીને સિંહોની વર્તમાન સ્થિતિ અને સારવાર અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વન મંત્રીએ જણાવ્યું હતું કે, “હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને છેલ્લા ત્રણ દિવસમાં એક પણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી.” જામવાળાની બેઠક પૂર્ણ કર્યા બાદ વન મંત્રીનો કાફલો જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા રવાના થયો હતો.
જોકે, સ્થળ પરની વાસ્તવિકતા કંઈક જુદી જ ચિત્ર રજૂ કરે છે. જસાધાર કેર સેન્ટર ખાતે એનિમલ સ્મશાનમાં લાકડાનો મોટો પહાડ ખડકી દેવામાં આવ્યો છે. લાકડાનો જથ્થો એટલી મોટી માત્રામાં છે કે સ્મશાનમાં જગ્યા ઓછી પડતાં સિંહોને રાખવાના પાંજરાની આસપાસ પણ લાકડા ભરી દેવામાં આવ્યા છે. આ દૃશ્યો સિંહોના ઊંચા મૃત્યુદર અંગે વન વિભાગ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. વન વિભાગના અધિકારીઓ ‘સબ સલામત’ હોવાના દાવા કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિક માહિતી છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ છે. મીડિયા દ્વારા વિગતો મેળવવાનો પ્રયાસ કરાતા અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.