બગસરા શહેરના વોર્ડ નંબર ૨ માં સ્પીડ બ્રેકર નાખવા બાબતે એક અરજદાર અને સ્થાનિક વોર્ડ સદસ્ય વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી બાદ મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી અને સ્થાનિક સ્તરે જ વિવાદ શાંત પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર ૨ ના એક સ્થાનિક રહીશ વિસ્તારમાં વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા માટે સ્પીડ બ્રેકર મૂકવાની લોકહિતની રજૂઆત કરવા માટે વોર્ડના સદસ્ય પાસે ગયા હતા. આ ચર્ચા દરમિયાન કોઈ મુદ્દે બંને પક્ષો વચ્ચે મતભેદ સર્જાયા હતા. સામાન્ય ચર્ચાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી અને બાદમાં અંદરોઅંદર ઝપાઝપી તથા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.વોર્ડ સદસ્યને જણાવ્યું હતું કે રજૂઆત કરવાની પદ્ધતિ યોગ્ય ન હતી અને ઉશ્કેરણીજનક વર્તન કરવામાં આવતા મામલો બિચક્યો હતો. આ બાબતે અરજદારનો આક્ષેપ હતો કે લોકહિતની અને વ્યાજબી રજૂઆત કરવા છતાં સદસ્ય તરફથી યોગ્ય સહકાર મળ્યો ન હતો અને વાત વણસી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને મધ્યસ્થી કરીને બંને પક્ષોને શાંત પાડ્યા હતા. આ બાબતે હજુ સુધી આ મામલે કોઈપણ પક્ષ દ્વારા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. સ્થાનીક અગ્રણીઓ દ્વારા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થાય અને વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.







































