બનાસકાંઠાના અંબાજી ખાતે ૭૨ કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ અને સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જાડાયા હતા.
આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “કોક્રોચ કોઈ પાર્ટી નથી. કોક્રોચ તો ટોયલેટમાંથી નીકળે છે અને તેને ખતમ કરવા માટે માત્ર એક ‘હિટ સ્પ્રે’ જ કાફી છે.” તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આયોજકોના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં ૩૧૦૦થી વધુ મહિલાઓ તેમજ ૪૦૦થી વધુ સ્વયંસેવક ભાઈઓએ સક્રિય ભાગ લીધો હતો.
આ ઉપરાંત સમાજમાં શિક્ષણ, સેવા, સામાજિક જાગૃતિ અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ તથા પ્રશંસનીય કામગીરી કરનાર પાટીદાર અગ્રણીઓનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોએ આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.