જાફરાબાદના ચાંચબંદરમાં કોન્ટ્રાક્ટર સાથે સાયબર ફ્રોડ થયો હતો RTO R-ચલણ એપીકે ફાઈલ મોકલી ખાતામાંથી રૂ. ૩.૫૭ સેરવી લીધા આ મામલે પોલીસે અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વિપુલભાઇ વલ્લભભાઇ શિયાળ (ઉ.વ.૨૭) એ જાહેર કર્યા મુજબ, આ ગુનાની શરૂઆત એક સુઆયોજિત કાવતરા હેઠળ થઈ હતી. અજાણ્યા સાયબર ગુનેગારે છેતરપિંડી કરવાના ઈરાદે તેના મિત્ર ગોપાલના વોટ્સએપ પર RTO Echallan.apk નામની એક ભેદી એપ્લિકેશન મોકલી હતી. આ લિંક ઓપન કરતા જ ગોપાલનો ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ હેકર્સે ગોપાલના જ વોટ્સએપ એકાઉન્ટમાંથી કોન્ટ્રાક્ટરના ‘કિંગ ઓફ ચાંચ’ નામના વોટ્સએપ ગ્રૂપમાં આ ભ્રામક એપ્લિકેશન ફોરવર્ડ કરી દીધી હતી. ગ્રૂપમાં પોતાના મિત્ર દ્વારા જ મેસેજ આવ્યો હોવાનું સમજીને ફરિયાદી કોન્ટ્રાક્ટરે આર.ટી.ઓ. ઈ-ચલણની એપ્લિકેશન માનીને તેને પોતાના મોબાઈલમાં ઓપન કરી હતી. આ એપ્લિકેશન ઓપન થતાં જ સાયબર ઠગોએ કપટપૂર્વક ફરિયાદીના આખાય મોબાઈલનું એક્સેસ પોતાના હાથમાં લઈ લીધું હતું. ત્યારબાદ તેમની જાણ બહાર તેના મોબાઈલમાં રહેલી બેંકિંગ એપ્લિકેશન અને ગુપ્ત વિગતો ઈન્ટરનેટના માધ્યમથી ચોરી લેવામાં આવી હતી. જે બાદ કટકે-કટકે કુલ રૂ. ૩,૫૭,૨૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા. બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવતા જ કોન્ટ્રાક્ટરના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.









































