સુરતમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર સ્વ. નિર્મળાબેન પટેલના અવસાન બાદ તેમના ભાઈઓ અશ્વિનભાઈ અને રાજેન્દ્રભાઈ પટેલે ‘જય જવાન નાગરિક સમિતિ’ને રૂ. ૧,૫૧,૦૦૦નું દાન અર્પણ કર્યું છે. મહેસાણાના મૂળ વતની નિર્મળાબેન જીવતેજીવ દર વર્ષે સમિતિને દાન આપતા હતા. તેમના રાષ્ટ્રપ્રેમને જીવંત રાખવા પરિવારે આ સહયોગ આપ્યો છે. આ ઉપરાંત, જ્ઞાનગંગા વિદ્યાલય અને પ્રવીણભાઈ પાનસુરીયા તરફથી પણ રૂ. ૫૧-૫૧ હજારનો ચેક અર્પણ કરાયો હતો. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા તાપીના વીર જવાન ઋત્વિકકુમાર ચૌધરી અને રાજુલાના રાયફલમેન કિરીટ ગૌસ્વામીના પરિવારોને સમિતિ દ્વારા સન્માન સાથે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૧૯૯૯થી અત્યાર સુધીમાં જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા ૪૯૩ શહીદ પરિવારોને કુલ રૂ. ૭.૯૭ કરોડની સહાય પહોંચાડવામાં આવી છે.









































