ડો. ભરત કાનાબાર દ્વારા અનુકંપા ફાઉન્ડેશનના માધ્યમથી શરૂ કરાયેલું ‘ટુ વ્હીલર ફોર ટુ’ અભિયાન અમરેલીમાં વ્યાપક બની રહ્યું છે.શરૂઆતના ત્રણ અઠવાડિયામાં જ સ્વયંસેવકોએ ૧૦૦થી વધુ રાહદારીઓને લીફ્‌ટ આપીને મદદ કરી છે. અભિયાનનો મુખ્ય હેતુ રસ્તે ચાલતી વ્યક્તિને લીફ્‌ટ માંગવામાં સંકોચ ન થાય અને વાહનચાલક સહજ રીતે લીફ્‌ટ ઓફર કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવાનો છે. આનાથી વાહનો ઘટતાં ટ્રાફિક હળવો થશે તેમજ ઇંધણની બચત અને પર્યાવરણનું રક્ષણ થશે. વાહનો પર લાલ-પીળા રંગનું સ્ટીકર જોઈને હવે રાહદારીઓ નિઃસંકોચ લીફ્‌ટ માંગી રહ્યા છે. ડો. કાનાબારે શહેરના ડોક્ટરો, વકીલો અને વેપારીઓ સહિતના નાગરિકોને આ સામાજિક અભિયાનમાં જોડાવા હાકલ કરી છે.