અલનીનોની વિપરીત અસરના કારણે બાબરા તાલુકાના નાની કુંડળ, કીડી, શિરવાણીયા અને ઈશ્વરીયા ગામોમાં વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. કુદરતી વરસાદ પર નિર્ભર આ ગામોમાં નહિવત વરસાદ પડતાં નદી-નાળામાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો નથી. વરસાદ ખેંચાતા કુવા અને રીંગ બોરના તળિયા દેખાવા લાગ્યા છે. પાણીના અભાવે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સિંચાઈ માટે કેનાલ કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. બીજી તરફ સીમ વિસ્તારમાં ઘાસચારો અને પીવાના પાણીની તંગીથી માલધારીઓ પણ પરેશાન છે. નારણભાઈ ભાલીયાના અહેવાલ મુજબ, અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય, પશુઓ માટે ઘાસચારા ડેપો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.








































