અમદાવાદ અને ગાંધીનગરને જાડતા મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વધુ ગતિ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ નિર્માણાધીન વિકાસ પ્રોજેક્ટ્‌સની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રોજેક્ટ્‌સની કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ત્રણેય ફેઝના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદથી ગાંધીનગર સુધી કુલ ૩૭.૬૦ કિલોમીટર લાંબા વિસ્તારમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ આ વિસ્તારને નવી ઓળખ મળશે.
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કરાઈથી પી.ડી.ઈ.યુ. સુધી, બીજા તબક્કામાં પી.ડી.ઈ.યુ.થી શાહપુર બ્રિજ સુધી અને ત્રીજા તબક્કામાં શાહપુર બ્રિજથી ચિલોડા બ્રિજ સુધીના કુલ ૧૭.૨૦ કિલોમીટર વિસ્તારના વિકાસ કાર્યો જળ સંપત્તિ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી હાલમાં પ્રગતિમાં છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગર નજીક લેકાવાડામાં ૧૦૦ એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા નવા જીટીયુ કેમ્પસની પણ મુલાકાત લીધી હતી. નવા કેમ્પસનું બાંધકામ આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ગાંધીનગર મહાનગર અને ગિફ્ટ સિટી વિસ્તારના લોકોને એક આકર્ષક પર્યટન સ્થળ મળશે. સાથે જ રોડ કનેકટીવિટી અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં પણ નોંધપાત્ર સુધારો થશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ત્રણેય ફેઝનું કામ વર્ષ ૨૦૨૭ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મુલાકાત દરમિયાન જળ સંપત્તિ રાજ્યમંત્રી,મુખ્યમંત્રીના સલાહકાર તથા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ પ્રોજેક્ટ્‌સ અંગેની વિગતો રજૂ કરી હતી.