ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-૨એ ગેરકાયદે રીતે થતા દેશી દારૂના ઉત્પાદન અને હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. એલસીબી ટીમે ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાણાસણ ગામની સીમમાંથી જમીનમાં દાટીને છુપાવેલા ૨૬ લોખંડ અને પ્લાÂસ્ટકના બેરલ ઝડપ્યા છે, જેમાં દેશી દારૂ બનાવવાનો ૫,૨૦૦ લિટર આથો ભરેલો હતો.
મળતી માહિતી અનુસાર, એલસીબી-૨ના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત ડભોડામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે, રાણાસણ ગામનો એક રહીશ ઘરની નજીક જમીનમાં આથો ભરેલા બેરલ છુપાવીને મોટા પાયે દેશી દારૂ બનાવવાનું ગેરકાયદે નેટવર્ક ચલાવી રહ્યો છે. ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે રાણાસણ ગામના પાદરે આવેલા સંભવિત સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આરોપી ઘરે હાજર ન હતો, પરંતુ પોલીસે આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જમીનમાં દાટેલા બેરલ મળી આવ્યા હતા.
આ દરમિયાન પોલીસે આસપાસની જમીન ખોદવાનું શરૂ કર્યું હતું, ત્યારે લોખંડ અને પ્લાસ્ટીકના કુલ ૨૬ બેરલ બહાર કાઢ્યા હતા. તેમાં આશરે ૫,૨૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો રસાયણયુક્ત આથો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા આ મુદામાલની કિંમત અંદાજે ૧.૩ લાખ રૂપિયા હોવાનું આંકવામાં આવ્યું છે. પોલીસે પ્રોહિબિશનના નિયમોનુસાર આ તમામ ગેરકાયદે જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
આ મામલે રાણાસણ ગામના બળિયાદેવ મંદિર નજીક રહેતા જસવંત ઝાલા નામના શખસ સામે ડભોડા પોલીસ મથકમાં ‘ગુજરાત પ્રોહિબિશન એક્ટ’ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.









































