જાફરાબાદ તાલુકાના ટીંબી શહેરમાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા છેલ્લા પાંચ મહિનાથી આર.સી.સી. રોડનું કામ ચાલી રહ્યું છે. પરંતુ તંત્રની ગોકળગાય ગતિ અને નબળી ગુણવત્તાના કારણે સ્થાનિક વેપારીઓ, વાહનચાલકો અને સામાન્ય જનતા ભારે હાલાકી ભોગવી રહી છે. શહેરમાં ઠેર-ઠેર કાંકરીઓના ઢગલા, તૂટેલી ગટરો અને આડેધડ મટીરીયલના લીધે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને ૬૬ કે.વી. સબ સ્ટેશન નજીક વીજ તાર નીચેથી પસાર થવું અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. ચોમાસું નજીક હોવા છતાં કામ અધૂરું હોવાથી અકસ્માતનો ભય વધ્યો છે. આ અંગે તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના સભ્ય શ્રી નરેશભાઈ પ્રવીણભાઈ જાદવે તંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે જો ગુણવત્તાયુક્ત કામગીરી સાથે આ રોડ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે, તો ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.





































