ધારીના વેકરીયાપરા વિસ્તારમાં એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર સામાન્ય બાબતે ના પાડવા પર નિર્દોષ ખેડૂતો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઢોરના અવેડામાં નાહવા આવેલા ત્રણથી વધુ અસામાજિક તત્વોએ ૬૦ વર્ષીય વૃધ્ધ ખેડૂત અરવિંદભાઈ સમજુભાઈ ભુવા પર લોખંડના પાઇપ તથા ઢીકા-પાટુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. અરવિંદભાઈએ આ શખ્સોને અવેડામાં નાહવાની ના પાડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા આરોપીઓએ ગાળો આપીને તેમને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનામાં વચ્ચે પડેલા અન્ય ખેડૂત ગોવિંદભાઈ ભુવાને પણ હાથમાં ઇજાઓ પહોંચી હતી, જ્યારે અરવિંદભાઈને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધારી પોલીસ સ્ટેશનમાં આ મામલે સાગરભાઈ બટુકભાઈ સરવૈયા અને વિશાલભાઈ હરેશભાઇ ડાભી સહિતના અન્ય શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાના પગલે ધારીના પાટીદાર સમાજ અને સ્થાનિક રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મોડી રાત્રે જ પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નગરપાલિકા પ્રમુખ જયદીપ બસિયા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ હુમલાના વિરોધમાં ધારી પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ તકે ધારાસભ્ય જે.વી. કાકડીયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.










































