વીજપડી ગામે આવેલી વીજ કચેરીના વહીવટ સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરની બેદરકારીના કારણે અવારનવાર વીજ સમસ્યાઓ સર્જાઈ રહી છે. ખાસ કરીને લોડ વધારાની માંગણી માટે અંદાજ પત્રની રકમ ભરપાઈ કર્યા બાદ પણ ૧૨ થી ૧૫ મહિનાથી વધુ સમય સુધી ક્ષમતા મુજબના ટ્રાન્સફોર્મર બદલવામાં આવતા નથી.વિજપડીના ખેડૂત કાળુભાઈ કાનજીભાઈ ઢાંકેસાએ એપ્રિલ ૨૦૨૫માં લોડ વધારાની ફી ભરપાઈ કરી હોવા છતાં આજે સુધી યોગ્ય ક્ષમતાવાળું ટ્રાન્સફોર્મર મળ્યું નથી. પરિણામે ખેડૂતોના મોંઘા પંપસેટને નુકસાન થવાની તેમજ વારંવાર જંપર ફેઈલ થવાની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આ મુદ્દે અનેક વખત સ્થાનિક તેમજ ઉચ્ચ કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. સામાજિક કાર્યકર અમાનભાઈ રસભર્યાએ રાજ્યના ઊર્જા સચિવ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરીને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી તથા ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે.