જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમસંબંધના મામલે એક યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજેશ લક્ષ્મણભાઇ બાંભણીયા નામનો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. આ બાબતની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. યુવતીના પિતા ઘેલાભાઈ નારણભાઈ સોલંકી, પુત્ર રોહિત અને યુવતીના માતા સહિત અન્ય લોકોએ એકઠા થઈને રાજેશ પર લાકડીઓ અને ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેથી સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી યુવતી સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.