રાગ – વૈરાગ – ૨૭
આવતલ વ્યક્તિ અંદરથી આવતા કોઈ અજાણી સ્ત્રીના અવાજથી ચોંકી ગઈ.એ કહેતી હતીઃ‘‘ જીંદગીમાં પહેલો અને છેલ્લો એક જ પુરૂષ…કે જેની સાથે દિવસ તો ગાળી શકું પણ એની સંગાથે કાળી માઝમ રાત્રે કોઈ રસ્તો કાપવાનો હોય, તો હું બેધડક નીકળી પડું એ પુરુષ એક માત્ર તમે છો!’’ એ વ્યક્તિ ફરીને ચોંકી ગઈ…‘‘ ઓહ ..આ કોણ?’’ એણે ત્વરાથી હાથ પાછો ખેંચી લીધો.
પણ ચોંકવાનું વજૂદ તો આનંદ માટે ય હતું જ ને?!! કોઈ પણ પૂર્વધારણા વગર એ અત્યારે જ આવી ચડી હતી. એ આવશે તેવી શ્રધ્ધા જરૂર હતી.
“ઓહ…રૂપા! તે તો મને ક્યાંયનો ક્યાંય લાવીને મૂકી દીધો.” “તમે મારા મનના મંદિરના સૌથી ઊંચા પગથિયે જ ઊભા છો, અને ત્યાં જ રહેશો. પગથિયા બીજા પુરૂષો ઉતરી શકે, તમે નહીં.”
“ઓહ…રૂપા..તું તો તું જ છે. હજીય આટલો બધો ભરોસો? “ભરોસો તમારો મને મારા ગળા સુધીનો છે..અને કોઈ પુરુષ ને મેં હૃદય થી ચાહ્યો હોય એ પણ તમે જ..! અને મમત અને પ્રેમ કદિ મરતાં નથી સાહેબ…’’ એ ગળતાં કંઠે બોલી.
“આપણું મળવું….કેવા સંજોગ છે રૂપા…’’
“સંજોગ, અને અંજળ પણ…’’ તેની આંખમાં ચમકારો આવ્યો. જેવો ચમકારો આનંદે તેના યુવાન નયનોમાં જોયેલો. બસ એ જ ચમકાર. ! એણે કહ્યું: “બે દિવસ પહેલા એક રાત્રે આશ્રમના ચોગાનમાં સૂનમૂન બેઠી’તી. તો મારી નજર સામે જ એક તારો ખરી પડતો જોયો…! ખરતો તારો જોઈને હૈયામાં વરસોથી સુઈ રહેલા ઈચ્છાના હંસલા પાંખો ફફડાવીને જાગ્યા. થોડા થોડા ઉડયા પણ ખરા!’’
‘‘ ..એ મનસરોવરમાંથી લીધેલી એમની ઉડાન માત્ર પળ બે પળની હતી પણ એટલી વારમાં મારૂ હૈયું ભીંજવતી ગઈ। પણ પછી મારી જ મૂર્ખામી ઉપર મને હસવુંય આવ્યું અને પછી રોવાઈ પણ ગયું…‘“અરેરે! સપનાં જોવાની ઉંમર હતી. ત્યારના સપનાં સાચા ઠર્યા નહીં. જ્યારે સાચાં ઠરવા માટે મન સાથે સમાધાન આદર્યા ત્યારે સપનાં જ નંદવાઈ ગયા. રે મનવા! રે હંસલા…હવે આ શો હલવલાટ છે! હવે સુખ નામનો મલક તો ઘણેય દૂર રહી ગયો છે. ત્યાં લગીમાં મને તમે ઊડતા ઊડતા પહોંચાડશો ત્યારે તો મારા આખરી શ્વાસ પણ ચાલતા હશે!!
અને પછી ત્યાં પહોંચુ પછીય પણ શું? કોઈ તો ‘મારું’ હોવું જોઈએ ને મને અગ્નિદાહ આપવા માટે?? જેને મેં મારૂ માન્યું હોય એ તો સાથ છે નહીં! અને નધણિયાતી લાશને તો અવરેય અગ્નિદાહ આપી દે છે. પણ એ આગ અગ્નિદાહ નથી પણ એતા જીંદગીનો આખરી ભડકો છે જેમાં બધાએ ભસ્મ થવાનું છે!’’
‘‘ બસ…રૂપા…બસ.. બહુ વલોવી નાખ્યું છે તેં તારા જીવતરને….બહુ વીતી લાગે છે તારા ઉપર…. શું થઈ ગયું આ બધુ? કેવા કેવા વાવલિયા વિંઝાઈ ગયા, કે તું આમ સાવ ઠૂંઠાં જેવી સ્ત્રી બની ગઈ…?! પ્લીઝ, મને જરા માંડીને તો વાત કરે. તારી મોઘમ વાણી સાંભળીને હું હવે કારણ પૂછ્યા વગર નથી રહી શકતો…’’
– ક્યાંથી શરૂઆત કરૂ સાહેબ?..આપણે છુટ્ટા પડી ગયા ત્યારથી?..મારા લગ્ન થયા ત્યારથી??..જિંદગી રોજેરોજ નવા નવા અધ્યાય લખતી જ રહીં. એમાં ક્યાંય આનંદ નહોતો. ખુશી નહોતી. સુખના અલ્પવિરામ હતા, ને દુઃખના પૂર્ણ વિરામ હતા.!
તમે લેખક છો અને હું તમારી સાથે ઘણો સમય રહી. એટલે જીંદગીને મારી રીતે જીવતા શીખી લીધુ પણ બીજા બધા એ તો મને કટકે કટકે મારી નાખવાનું જ કર્યું! ‘‘ એ ઘડીભર અટકી.અને ફરીવાર બોલવાનું ચાલુ કર્યુંઃ’’..“ભલે તમને મેં પ્રેમ કર્યો હતો. તમે પણ મારી સંગ જીંદગી જોડવા તત્પર હતા પણ ઘરની આબરૂ બન્નેને નડી. એક ન થઈ શક્યા અને પોતપોતાની તરસ લઈને છુટા પડી ગયા…પણ જેની સંગ મેં અગ્નિની સાક્ષીએ ચારફેરા ફર્યા એણેય પણ મને એની પોતાની ક્યાં માની હતી? નહિંતર તો એ ચાર ફેરા ધર્મ, અર્થ કામ અને મોક્ષના હોય છે. મોહનને હવે મેં મારો પતિ માની લીધો. પરણીને સાસરે ગઈ તેની પહેલા કંકુપગલાં કરવા ગઈ હતી ત્યારે તમે સાથે આવ્યા હતા…”
“હા, રૂપી….આપણે ત્રણ દિવસ રોકાયા હતા.”
“પછી આપણે પાછાં ફર્યા અને જે કંઈ બન્યું, એ એક કલંક બનીને મારી જીંદગીમાં પરણીને સાથેજ આવ્યું. મારા કાકાના દીકરા અરજણે મારું જીવતર ખેદાનમેદાન કરી નાખ્યું!’’
એ અટકી અને પછી આગળ બોલીઃ
‘‘ …સહજીવનની અમારી પહેલી રાત હતી. હું તમને ભૂલી શકી નહોતી પણ મારા દેહ ઉપર મોહનનો હકક હતો. અગ્નિની સાક્ષીએ તેની પત્ની બની હતી. પણ સહજીવનનાં શમણાવંતી રાત્રે એણે પહેલો સવાલ મને એ કર્યો હતો કે “તારી અને આનંદ વચ્ચે કેવા સંબંધો છે?’’ મેં કહ્યું કે એકદમ પવિત્ર. એકદમ શુધ્ધ. એટલા શુધ્ધ કે શેરીમાં આપણે સાથે રમીને બેચાર છોકરા છોકરી મોટા થાય અને પછી, નિર્બધ, નિર્મળ દોસ્તીની યાદો લઈને એમના પરિવારમાં સમાઈ જાય. એવાં!!..
તો મને કહે: જુઠ. એકદમ જુઠ!. તમારી બન્ને વચ્ચે કેવા સંબંધ હતા એ હું જાણું છું! એ અહીં આવ્યો
ત્યારે એની આંખના ઈશારા અને તારી આંખના ઉલાળા મેં જોયા હતા. હું તો એ જ ઘડીએ પામી ગયો હતો’
મારા પગ તળેથી ધરતી ખસી ગઈ. મેં કહ્યું કે તમે કહો એના હું સોગંદ ખાઉ, પણ, અમારી વચ્ચે કશું જ નહોતું. તમે મારી ઉપર વિશ્વાસ કરો.’’
“સારૂ…તારી ઉપર વિશ્વાસ કરું. ‘‘ એણે તાતો સવાલ કર્યોઃ’’ પણ જે દિવસે કંકુ પગલા કરવા તું અહીં આવી હતી. એનાં બે-ત્રણ દિવસ પછી તને મોટર સાયકલ ઉપરથી એ તને તેડી ગયો તે દિ’ની રાત તમે ક્યાં ગાળી હતી?
હું ધ્રુજી ઉઠી. જવાબ આપવામાં થોથવાઈ ગઈ. હું શું જવાબ આપું? મેં એને એ બધાનું વજુદ, કારણ અને ખુલાસો રજુ કરવાનું શરૂ કર્યું એ ભેળાજ એણે મને કહી દીધું કે હલકટ! નપાવટ! તે રાત્રે તું આનંદ ના હાથે બોટાઈ ગઈ હતી. આનંદે અને તેં એ જ રાત્રે સોહાગરાત ઉજવી લીધી હતી. હવે મારી સાથે ની સોહાગરાત એક તરકટ છે. સાલી કમજાત…!
હું શું બોલું એ જ મને સમજાયું નહીં. આ એ પુરૂષ હતો? જેને મેં અગ્નિની સાક્ષીએ મારો પતિ માન્યો હતો? આ એ પુરૂષ હતો જે બોલતો હતો કૈંક, અને વિચારતો હતો કેંક?! એને હું છાતી ચીરીને ય કેમ બતાવી શકું કે એ રાતે કદાચ હું અખંડ રહી હોઉં તો માત્ર એને જ કારણે, જેની ઉપર તું આવો હલકટ આરોપ મૂકે છે?! પણ એની આંખોએ પાટા બાંધેલા હતા. એ સાચ જોઈ શકે એમ નહોતો. એની સત્ય જોવાની દ્રષ્ટિ જ ભૂંસાઈ ગઈ હતી!
‘‘ ઓહ..’’આનંદથી એક નિશ્વાસ નખાઈ ગયો..અને રૂપાએ આગળ બોલવાનું ચાલુ કર્યું…(ક્રમશ;)