હિન્દુસ્તાનને આઝાદી મળી રહી હતી ત્યારે ત્રણ સંસ્થાઓ દેશની ભૂગોળ અને મુકદ્દર નક્કી કરી રહી હતી. કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને ચેમ્બર ઓફ પ્રીન્સેસ. આ ત્રણેય સંસ્થાઓના સંચાલક કે મુખ્ય નેતાઓ ગુજરાતી હતા. એક મોહનદાસ કરમચંદ ગાંધી, બીજા મહમદ અલી ઝીણા અને ત્રીજા હીઝ હાઇનેસ જામસાહેબ ઓફ નવાનગર શ્રી દિગ્વિજયસિંહજી. પહેલા બંનેની શૈક્ષણિક લાયકાત શું હતી એ હિન્દુસ્તાનનો બચ્ચો બચ્ચો અર્ધો, પોણીયો રાજકારણી જાણે છે. એ બંને એ કક્ષાના વકીલો હતા કે કોઈપણ અંગ્રેજ બચ્ચો તેમની સાથે દલીલમાં ઉતારવાનું ક્યારેય પસંદ કરતો નહોતો. ત્રીજાએ રાજકોટની પ્રતિષ્ઠિત રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો, ઉપરાંત તેઓ માલવર્ન કોલેજ અને યુનીવર્સીટી કોલેજ લંડન ખાતે અભ્યાસ કર્યો હતો બ્રિટીશ આર્મીમાં સેકંડ લેફ્‌ટનન્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરીને ૧૯૪૭ સુધીમાં લેફ્‌ટનન્ટ જનરલના માનદ હોદ્દે પહોચીને રીટાયર્ડ થયા હતા.
ગુજરાતનો સાક્ષરતા દર ૮૪% છે, દેશની સરેરાશ ૮૧% કરતા વધારે છે. જે મલ્લિકાર્જુન ખડ્‌ગેના હોમ સ્ટેટ ૭૯%થી પાંચ ટકા વધારે છે. આ આંકડાઓ આજના અનુમાનિત આંકડાઓ છે. ગુજરાતનું દેશના જીડીપીમાં યોગદાન આશરે ૮.૪% જેટલું છે અને દેશની કુલ નિકાસમાં ગુજરાત ૩૦% હિસ્સો ધરાવે છે. ગુજરાત દેશના ગ્રોથ એન્જીન સ્ટેટમાનું એક છે. ગુજરાતની ગંજાવર પ્રગતિ દેશના અમુક નેતાઓના વર્ગને સવિશેષ ખટકી રહી છે. એમાં પણ જ્યારથી બે ગુજરાતીઓએ દેશની ધુરા સાંભળી છે અને એક સ્થિર મજબૂત સરકાર સતત ત્રીજી વખત આપી છે, વિપક્ષની ફરી સત્તાવાપસી થવાની દિશા દશા ધૂંધળી બની ગઈ છે ત્યારથી આ ગુજરાતદ્વેષ દિલમાં હતો એ જીભ પર આવવા લાગ્યો છે. જેમની રાજકીય ધરી અદાણી અંબાણી, અને મોદી શાહ જેવા ગુજરાતીઓની આસપાસ જ ફરી રહી છે એ નેતાઓની ધીરજે હવે જવાબ આપી દીધો છે.
વર્ષો પહેલા જયારે કેન્દ્રમાં કોંગ્રેસ શાસિત સરકાર હતી ત્યારે ગુજરાત દ્વેષ ચરમ પર હતો. ગુજરાતને અન્યાય કરવાનો એક પણ મોકો જતો કરવામાં આવતો નહોતો. ગુજરાતમાં પણ જયારે કોંગ્રેસની સુસ્ત, દરિદ્ર અને કરોડરજ્જુ વિનાની ગુજરાતી અસ્મિતાનો દિલ્હીમાં તમાશો કરનાર સરકાર હતી ત્યારે પર્યાવરણના નામે ગુજરાતને વર્ષો સુધી તરસ્યું રાખવાનું ષડ્‌યંત્ર કેન્દ્રના આ પ્રકારના ગુજરાતદ્વેષી પરિબળોએ કર્યું હતું. ત્રીજી હરોળના દરબારીની જેમ દિલ્હીની દરબારમાં કુર્નીશો બજાવીને, પોતાના આકાઓની એક રહેમનજર પામીને વર્ષો સુધી જેઓએ દિલ્હીના આંટા મારી ખાધા હતા. કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારો વખતે નર્મદા અંગે જાગૃતિ આવી અને મોદીના કેન્દ્રમાં સરકાર બનાવતા આ મહાન યોજનાને મંજુરી મળી. ત્યાં સુધીમાં એક આખો કાલખંડ અને દુષ્કાળના અનેક વર્ષો ગુજરાતી પ્રજાના મુકદ્દરમાં આ ઉપસંસ્થાનવાદી સામંતી ભાડૂત નેતાઓએ લખાવી દીધા હતા. નર્મદા યોજના ખોરંભે ચડાવી દેવાનું તો એક જ ઉદાહરણ છે, આવા અસંખ્ય કિસ્સાઓ અને પ્રકરણોમાં આ ગુજરાત વિરોધીઓએ ગુજરાતી પ્રજાને હડહડતો અન્યાય કર્યો છે. પરિવારવાદનું અફીણ ચાટીને માલિકની જીહજૂરીના નશામાં ગુલતાન થયેલા અડધિયાઓ સરદાર પટેલથી લઈને ગાંધી પરિવારની સામે પડેલા દરેક ગુજરાતીને દુશ્મન ગણે છે. એને ખબર છે કે પ્રતિકારની શક્યતા અહિયાં ખુબ ઓછી છે. આ તો ચૂંટણીનો સમય છે, નહીતર ગુજરાતીઓને અભણ કહેવા બદલ વળી માફી કેવી?
શનિવારે સાંજે શાનદાર સમિયાણા નીચે કોઈ ગુજરાતી શેઠે પાળેલા બાવાનું અહિંસા, અપરિગ્રહ અને ક્ષમા વિરસ્ય ભૂષણમ અંગેનું પ્રવચન સાંભળીને, છૂટતા કોઈ ચાઇનીઝ, પંજાબી, ઈટાલીય, મેક્સિકન (ગુજરાતી સિવાય) ડીશ પેટમાં પધરાવીને ઘરના વાતાનુકુલિત શયનકક્ષમાં રવિવારની સવારની રાહ જોઇને સુઈ જતી ગુજરાતી પ્રજા વિષે તમે અભણ, અશિક્ષિત કે બીજો કોઈ ઘસાતો શબ્દ વાપરી શકો છો. એ વર્ષોથી પ્રતિકાર કરવામાં માનતી નથી. તમે આવું નિવેદન મરાઠી કે બંગાળી કે પંજાબી કે દેશની અન્ય કોઈ ભાષા બોલતી પ્રજા અંગે નહિ બોલી શકો. એ પ્રજા તમારા ચીંથરા ફાડી નાખશે. એ પ્રજા પોતાની ભાષા અને પ્રદેશની અસ્મિતાની રખેવાળ છે. ગુજરાતીઓ આ બાબતમાં એમના કરતા ઓછા જાગૃત અને આક્રમક છે. આ ગુજરાત દ્વેષ નેતાગીરીથી લઈને પત્રકાર, વામપંથી સંસ્થાઓ સુધી ફેલાઈ ચુક્યો છે. ભાષાવાર પ્રાંતની રચના જે તે સમયે વિવિધતામાં એકતા ટકાવી રાખવા અને સ્થાનિક ભાષાઓનું ગૌરવ જાળવી રાખવા માટે થઇ હતી પરંતુ દેશના નેતાઓએ ભાષાને અને એ ભાષા બોલતી પ્રજાને અલગ અલગ મતના ચોકઠાંમાં ગોઠવી દીધી. ગુજરાતે દેશને ગાંધી આપ્યા છે, સરદાર આપ્યા છે. ગુજરાતીઓ આખા વિશ્વમાં યહૂદીઓની જેમ પથરાયેલા છે. જ્યાં વસે છે ત્યાં ગુજરાત છાતીમાં દબાવીને વસે છે. કલકત્તામાં બેસીને પ્રચૂર ગુજરાતી સાહિત્યની રચના કરી જનાર અને સાત ભાષા લખતા વાંચતા લેખક ચંદ્રકાંત બક્ષી ગુજરાતી હતા. એક ગુજરાતી માધ્યમમાં ભણેલી ગુજરાતી છોકરી અમેરિકાના વોશિંગ્ટનના મોઝીઝ લેક શહેરમાં ચપોચપ અંગ્રેજી બોલીને પોતાની મોટેલ ચલાવી શકે છે. મિ.ખડગે…. ગુજરાતીઓ અભણ નથી.
ક્વિક નોટ – સન ૧૮૬૪માં પ્રેમચંદ શેઠ નામના ગુજરાતીએ મુંબઈ સરકારને પત્ર લખ્યો કે ‘મારે મુંબઈ સરકારને વિનંતી કરવાની છે કે મુંબઈની યુનિવર્સીટીને મારે બે લાખ રૂપિયા આપવાની ઈચ્છા છે. જેમાંથી એક લાયબ્રેરી બને જે આ નગરની શોભા બની રહે. જે ભાવિ પેઢીઓ માટે અધ્યયનનો ભંડાર બની રહે, યુનિવર્સીટીના ઉચ્ચ આશયોને પ્રાપ્ત કરવા માટે સહાયભૂત થાય.’ મુંબઈ સરકારે શેઠ પ્રેમચંદનો આગ્રહ માન્ય રાખ્યો અને મુંબઈ યુનિવર્સીટીની ખુબ પ્રખ્યાત લાઈબ્રેરી સ્થપાઈ. શેઠ પ્રેમચંદે કલકત્તા યુનિવર્સીટીને ચારલાખ જેવું માતબર દાન સવાસો વર્ષ પહેલા આપ્યું હતું. એક ગુજરાતી દાનવીરની સખાવાતે મુંબઈમાં દેશની સર્વપ્રથમ કોમર્સ કોલેજ શરુ થઇ હતી, એ દાનવીરનું નામ જગમોહનદાસ વરજીવનદાસ. સવાસો વર્ષ પહેલા ગુજરાતી દાનવીરો શિક્ષણની આટલી ખેવના કરી રહ્યા હતા ત્યારે મલ્લિકાર્જુન ખડગેના વડવાઓ ક્યાં હતા ?
production@infiniumpharmachem.com