મકાઈખાદ્ય વર્ગનાપાકમાં ખુબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં મકાઈનું વાવેત ર૯.૩૮ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે, જેમાંથી ૨.૮૮ કરોડ ટન જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાતમાં મકાઇ ના વાવેતરમાં પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓ અગત્યનુ સ્થાન ધરાવે છે. મકાઈમાં પાકની વાવણીના સમયથી લઈ કાપણી સુધી અને ત્યાર બાદ સંગ્રહ દરમ્યાન જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. મકાઈમાં જુદી-જુદી જીવાતોનું જેવીકે ટપકાંવાળી લશ્કરી ઈયળ, ગાભમારાની ઈયળ, લીલી ઈયળ, કાતરા, ધોડા, લશ્કરી ઈયળ,મોલો, ઉધઈ, પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે. જે પૈકી મકાઈમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરેલચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ ખુબ જ અગત્યની છે. જેનો ઉપદ્રવ વર્ષ ૨૦૧૮ પછી ખુબ જ વધીગયો છે. ચાલુ વર્ષે પણ આ જીવાત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મકાઈમાં જોવા મળેલ છે.મકાઈમાં આ જીવાત દ્વારા ૫૦ થી ૬૦ ટકા સુધી નુકસાન નોંધાયેલ છે. આવી પરિસ્થિતિમાં જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો આ જીવાતનો ઝડપી ફેલાવો થઈ ઉત્પાદન અને ગુણવત્તામાં અસર થઈશકે છે.
• ટપકાંવાળી લશ્કરી ઈયળઃ માદા ફૂદી પાનની નીચેની બાજુએ સમૂહમાં ઇંડાં મૂકે છે જેમાં ૭૫ થી ૧૪૦ જેટલા ઇંડાં હોય છે. ઇંડાંનું ૨ થી ૩ દિવસમાં સેવન થતાં પ્રથમ અવસ્થાની કાળા માથાવાળી અને લીલાશ પડતી સફેદ રંગની નાની ઇયળ નિકળે છે. પૂર્ણ વિકસિત ઇયળના માથા પર નરી આંખે જોઈ શકાય તેવો સફેદ રંગનો ઉંધો અંગ્રેજી “રૂ” આકાર જોવા મળે છે અને તેના ખંડો ઉપર જોવા મળતા ટપકાં મોટા તથા ઉપસેલા જોવા મળે છે જેનાથી ઇયળને સહેલાઇથી ઓળખી શકાય છે. આથી ગુજરાતમાં આ જીવાતને “ટપકાંવાળી લશ્કરી ઇયળ” અથવા “પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ” તરીકે ઓળખવામાં આવે છે. નાની ઇયળો મકાઈના કૂમળા પાન ઉપર મુખાંગો દ્વારા ઘસરકા કરી તેમાંથી હરિતદ્રવ્ય સહિતનો ભાગ ખાય છે જેથી પાન પર સફેદ રંગના ધાબા જોવા મળે છે. (ક્રમશઃ)











































