સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે પરિસ્થિતિ વણસી હતી. ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવાનની હત્યા બાદ ભારે તંગદિલી સર્જાઈ હતી. જે બાદ સ્થાનિકોના ટોળાએ ઉશ્કેરાઇને અહીં આવેલી અનેક દુકાનો, વાહનો અને લારીઓમાં તોડફોડ કરીને આગચંપી કરી હતી. આના સીસીટીવી પણ સામે આવ્યા હતા. પોલીસે હત્યાના ગુનામાં બે આરોપી અને તોડફોડ કરીને આગચંપી કરવાના ગુનામાં આશરે ૨૦થી વધુ લોકોની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. અમદાવાદ રૂરલ ડી.એસ.પી. સહિતનો પોલીસ કાફલો પહોંચતા ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ પરિસ્થિતિ  વચ્ચે મૃતક યુવકના શનિવારે રાત્રે જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
શનિવારે (૧૮મી એપ્રિલ, ૨૦૨૬) ધંધુકામાં બાઇક અથડાવવા બાબતે થયેલા ઝઘડા બાદ એક યુવકની નસીબ સોસાયટી પાસે કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બનતાં જ સ્થાનિકોના ટોળાએ ઉશ્કેરાઇને અહીં આવેલી અનેક દુકાનો, વાહનો અને લારીઓમાં તોડફોડ કરીને આગચંપી કરી હતી. જે બાદ જિલ્લાભરની પોલીસને ત્યાં ખડકી દેવામાં આવી હતી. પોલીસે હત્યાના ગુનામાં બે આરોપી અને તોડફોડ કરીને આગચંપી કરવાના ગુનામાં આશરે ૨૦થી વધુ લોકોની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધર્મેશભાઈ હોટલ ધરાવી વેપાર કરતા હતા. કુલ ચાર ભાઈઓમાંથી બે ભાઈ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. એક ભાઈ શહેર એસ.ઓ.જી. અને બીજા ભાઈ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે.
ધંધુકામાં રહેતા ૩૫ વર્ષીય ધર્મેશભાઈ ગમારા હોટલ ધરાવતા હતા. ધર્મેશભાઈ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા સમીરના વાહન સાથે વાહન અથડાયું હતું. જેથી બંને વચ્ચે સામાન્ય રકઝક થઈ હતી અને બંને પોતાના કામે જતા રહ્યા હતા. જે બાદ બપોરે ધર્મેશભાઈ નસીબ સોસાયટી પાસે આવ્યા ત્યારે મામલો બચક્્યો હતો. બાદમાં બંને પક્ષે ઘર્ષણ થતાં કેટલાક લોકો ભાગી ગયા હતા. આ દરમિયાનમાં ધર્મેશભાઈ પર છરીથી હુમલો કરીને સાથળના ભાગે ઘા ઝીંકી દેવાતા વધુ લોહી વહી જવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું.
હત્યાની ઘટનાના સમાચાર મળતાની સાથે સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ અનેક દુકાનો, વાહનો, લારી-ગલ્લામાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની પોલીસને ધંધુકામાં ખડકી દેવામાં આવી હતી. બીજીતરફ પોલીસે હત્યાના ગુનામાં સમીર સહિત બે લોકો અને રાયોટિંગના ગુનામાં આશરે વીસેક લોકોની અટકાયત કરી છે. જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે આ અંગે જણાવ્યું હતું કે, પોલીસે હત્યાના ગુનામાં બે તથા રાયોટિંગના ગુનામાં વીસેક લોકોને ડિટેઈન કર્યા છે અને આગેવાનો સાથે મિટિંગ બાદ કોમ્બિંગ કરીને અન્ય આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ સમગ્ર ધંધુકામાં શાંતિનો માહોલ છે.