ભાવનગર ફાયર બ્રિગેડમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે, જેમાં આણંદ એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને ડેપ્યુટી ફાયર ઓફિસર અને એક વચેટિયાને રૂપિયા ૨ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્‌યા છે. આ કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.એક કોન્ટ્રાક્ટરે સરકારી શાળાઓમાં ફાયર સેફ્‌ટીના સાધનો ફિટ કર્યા બાદ તેનું એનઓસી (NOC) મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. આ એનઓસી આપવાના બદલામાં ડેપ્યુટી ફાયર ઓફિસર દ્વારા રૂપિયા ૫ લાખની મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચની રકમ આપવા ન માંગતા કોન્ટ્રાક્ટરે આ અંગે આણંદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ડેપ્યુટી ફાયર ઓફિસર અને તેમના વચેટિયા પ્રથમ હપ્તા તરીકે ૨ લાખની રકમ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. હાલમાં એસીબીએ બંનેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.