શહેરમાં ધોળેદહાડે બનેલી એક સનસનાટીભરી લૂંટની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્‌યો હતો. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલા વિશાળ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર ૧૦૨માં ત્રણ અજાણ્યા યુવકો લૂંટના ઈરાદે ઘુસી આવ્યા હતા. તે સમયે ફ્લેટમાં એક વૃદ્ધ મહિલા અને ઘરકામ કરતી અન્ય મહિલા હાજર હતા. આરોપીઓએ ચાકૂની અણીએ બંનેને ધમકાવી, વૃદ્ધ મહિલાનું મોં દબાવીને તેમને કાબૂમાં લઈ લીધા હતા અને હાથ-પગ બાંધી દીધા હતા. સાથે જ કામવાળી મહિલાને પણ બાંધીને તેની આંગળી પર ચાકૂ મારી ઈજા પહોંચાડી હતી.
આરોપીઓએ ઘટનાસ્થળે ધાકધમકી ફેલાવીને ઘરમાંથી સોનાં-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન લૂંટી લીધો હતો. કુલ મળીને આશરે ૩.૮૬ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળ વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
લૂંટની ઘટનાને લઈ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ અને સિટી પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કામગીરી હાથ ધરી હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી અને ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ટેકનીકલ એનાલિસિસ અને સૂત્રોની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસે વિશાલ ઉર્ફે ડીજે કાંબલે, સાઈ ચૌહાણ, આકાશ ઉર્ફે અક્ષય જાધવ અને રંજીત ઉર્ફે તાત્યા માનેને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી વિશાલે સ્વીકાર્યું હતું કે તે અગાઉ આ જ કોમ્પ્લેક્સમાં પેઈન્ટીગનું કામ કરી ચુક્યો હતો અને તેને ખબર હતી કે ફ્લેટમાં વૃદ્ધ મહિલા એકલી રહે છે. તેણે પોતાના સાથીઓ સાથે મળી લૂંટની યોજના બનાવી અને અગાઉ રેકી પણ કરી હતી. યોજના મુજબ ત્રણ આરોપીઓ ફ્લેટમાં ઘુસ્યા હતા જ્યારે વિશાલ બહાર નજર રાખતો હતો.
લૂંટ બાદ તમામ આરોપીઓ સુરત મારફતે ઈંદોર ભાગી ગયા હતા, પરંતુ પોલીસે પીછો કરીને તેમને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ ફોન, વિદેશી ચલણ, હથિયાર સહિત કુલ ૩.૬૧ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓને વધુ તપાસ માટે સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસે આ સફળ કામગીરીને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ ગણાવી છે અને આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.