ગુજરાતમાં વધતી ગરમી હવે ચિંતાજનક સ્વરૂપ ધારણ કરી રહી છે અને રાજકોટમાં તેની અસર જીવલેણ સાબિત થઈ રહી છે. પ્રાથમિક વિગતો મુજબ રાજકોટમાં ૪૪ ડિગ્રી તાપમાનની વચ્ચે હવે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન હીટસ્ટ્રોકના કારણે બે લોકોના મોત નોંધાતા તંત્ર અને નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
રાજકોટમાં તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચતા ગરમીનો પ્રકોપ અસહ્ય બન્યો છે. આવી પરિસ્થિતમાં ખાસ કરીને ખુલ્લા મેદાનમાં કામ કરતા લોકો માટે જાખમ વધુ વધી જાય છે. મેટોડા વિસ્તારમાં કારખાનામાં કામ કરતા શ્રમિક શૈલેષ બારીયાનું મોત હીટસ્ટ્રોકને કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કામ દરમિયાન તેઓ બાઈક પરથી પડી બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
આ તરફ બેડી નાકા વિસ્તારમાં રહેતા કલ્પેશ વ્યાસ પણ ગરમીના પ્રકોપનો ભોગ બન્યા. તેમને લૂ લાગવાથી તબિયત બગડી હતી અને છેલ્લા બે દિવસથી સારવાર ચાલી રહી હતી. ઝાડા-ઉલ્ટી જેવી તકલીફો બાદ અંતે તેમનું પણ મોત થયું. બંને બનાવોમાં હીટસ્ટ્રોકને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ગરમીના કારણે શહેરમાં હીટસ્ટ્રોકના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તબીબોનું કહેવું છે કે ઊંચું તાપમાન, ગરમ પવન અને ડિહાઇડ્રેશન જેવી પરિસ્થિતિઓ મળીને શરીર પર ગંભીર અસર કરે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર રહેવું અત્યંત જાખમી બની શકે છે.










































