કચ્છમાં સોશિયલ મીડિયા પર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસની વિચારધારા ફેલાવી, દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જાખમમાં મૂકતી પોસ્ટ્સ કરનાર યુવકને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ની પશ્ચિમ કચ્છ-ભુજ ટીમે ઝડપી પાડ્યો છે.
ઝડપાયેલ આરોપીની ઓળખ ફકિરમામદ ઇશા ગગડા (ઉંમર ૩૨) તરીકે થઈ છે. તે ભુજ તાલુકાના લોડાઇ ગામનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ-અલગ એકાઉન્ટ્સ બનાવીને ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને વીડિયો અપલોડ કરતો હતો. તેમાં આઇએસઆઇએસની આઇડિયોલોજીને પ્રોત્સાહન આપતા, ખિલાફત અને જીહાદ માટે લોકોને એકઠા થવા અને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો જાવા મળ્યા હતા.
એસઓજીના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી છે. તેના મોબાઇલ ફોનની તપાસમાં ગેરકાયદેસર સામગ્રી મળી આવી હતી. આ મામલે પધ્ધર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદી અને દેશવિરોધી તત્વો તેમજ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ લોકોને પણ આવી પ્રવૃત્તિઓથી સાવધાન રહેવા અને કોઈપણ શંકાસ્પદ પોસ્ટ અથવા વ્યક્તિ વિશે તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે.
આ ઘટના કચ્છ વિસ્તારમાં સોશિયલ મીડિયા માધ્યમથી આતંકવાદી વિચારધારા ફેલાવવાના વધતા પ્રયાસોને રોકવા માટે પોલીસ વહીવટીતંત્રની સતર્કતા દર્શાવે છે. વધુ તપાસમાં આરોપીના અન્ય સંબંધો અને સંભવિત સાથીદારોની શોધ કરવામાં આવી રહી છે.









































