વડોદરાના નેશનલ હાઈવે-૪૮ પર જામ્બુવા બ્રિજ પાસે મંગળવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માતમાં સુરતના પાંચ યુવકોની કાર અને આઈસક્રીમ લોડેડ આઈસર વાહન વચ્ચે જારદાર અથડામણ થતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બે અન્ય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે બેકાબૂ થઈને ડિવાઈડર કૂદીને સામેની લેનમાં આવી ગઈ અને આઈસર વાહન સાથે અથડાઈ.
પ્રાથમિક તપાસ અનુસાર, સુરતના વરાછા વિસ્તારના પાંચ મિત્રો ભાવનગર દર્શન કરવા માટે કારમાં જઈ રહ્યા હતા. જામ્બુવા બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો. ત્યારબાદ કાર રોડના ડિવાઈડરને તોડીને વિરુદ્ધ દિશાની લેનમાં આવી ગઈ અને સામેથી આવતા આઈસર વાહન સાથે જારદાર ટક્કર થઈ હતી.
અકસ્માતની તીવ્ર અસરને કારણે કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા, જ્યારે બે યુવકોને ગંભીર ઇજાઓ સાથે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બંનેની હાલત ગંભીર જણાઈ રહી છે.કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.










































