ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મહેમદાવાદ તાલુકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના ઉમેદવારે વિદેશી દારૂનો સહારો લીધો હોવાનો પર્દાફાશ થયો છે. મહેમદાવાદના શત્રુંડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંકિત પટેલ દ્વારા મંગાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો મુજબ, કોંગ્રેસ ઉમેદવાર અંકિત પટેલના ટેકેદારે મતદારોને વહેંચવા માટે નાણાં આપીને વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હતો. પોલીસને આ અંગે બાતમી મળતા મહેમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં દરોડો પાડી ૮૩ હજારની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ, વાહન અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. ૨.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જાકે, મુખ્ય સૂત્રધાર અને દારૂ મંગાવનાર કોંગ્રેસના ઉમેદવાર અંકિત પટેલ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને ફરાર ઉમેદવારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણી ટાણે જ પકડાયેલા આ દારૂના જથ્થાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે.