રાજુલાના માંડળ ગામમાં નજીવી બાબતે થયેલી માથાકૂટમાં એક યુવક પર હુમલો કરી, માથાના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે લલિતભાઈ મોહનભાઈ વાળા (ઉ.વ. ૨૩)એ છગનભાઈ ઉકાભાઈ હડીયા, ઉકાભાઈ બોઘાભાઈ હડીયા અને બાબુભાઈ બોઘાભાઈ હડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ગત ૧૬ એપ્રિલના રોજ બપોરે તેઓ મચ્છુંદ્રી રોડ પર ચાલી રહેલા ‘સુજલામ સુફલામ’ યોજનાના કામના સ્થળે આંટો મારવા ગયા હતા. ત્યાં જેસીબી ડ્રાઈવરને માવો આપવા માટે તેઓ જેસીબીમાં બેઠા હતા, જે આરોપી છગનભાઈ હડીયાને ગમ્યું ન હતું.
આરોપીએ યુવકને “તારે અહીં આવવું નહીં” તેમ કહી ગાળો ભાંડી હતી. તે જ દિવસે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ, જ્યારે તેઓ ગામના શાક માર્કેટ પાસે બેઠા હતા, ત્યારે આરોપીએ ત્યાં આવી બોલાચાલી કરી ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો.આ ઝઘડાનું સમાધાન કરવા માટે ૧૮ એપ્રિલની રાત્રે અન્ય બંને આરોપીઓ તેના ઘરે આવ્યા હતા. તે સમયે તેના મોટાબાપુ અને ગામના સરપંચ ગોવિંદભાઈ કાનાભાઈ વાળા પણ હાજર હતા. જોકે, શાંતિથી વાત પતાવવાને બદલે આરોપીઓએ ફરી તકરાર શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા આરોપીઓએ પથ્થરનો છુટ્ટો ઘા મારતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. રાજુલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એન. બી. ગોરડિયા વધુ તપાસ કરી રહ્યા છે.










































