રાજ્યના પાટનગરમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.ગાંધીનગરના વ્યસ્ત ગણાતા ઘ-૦ સર્કલ પાસે આવેલા બ્રિજ પર એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી ઈકો કારે બાઈક સવારોને જારદાર ટક્કર મારતા પુંદરાસણ ગામના બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગરના પુંદરાસણ ગામના નિકુલ ભરતજી ઠાકોર (ઉં.૨૨) અને પ્રકાશ પ્રવીણજી ઠાકોર (ઉં.૨૦) તેમના અન્ય એક મિત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઘ-૦ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે દોડતી એક ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જારદાર હતી કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ત્રણેય યુવકો રોડ પર ફંગોળાયા હતા. આ ભયાનક દ્રશ્ય જાઈને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં ૨૨ વર્ષીય નિકુલ અને ૨૦ વર્ષીય પ્રકાશને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવકને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માતને પગલે પુંદરાસણ ગામમાં અને ઠાકોર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતા જ સેક્ટર-૭ પોલીસ મથકના એએસઆઈ રતનલાલ અને જમાદાર ઉમેશભાઈ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માત બાદ કોઈ વ્યક્તિ ઈકો કાર લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ ઈકો કારના ચાલકને પકડી પાડ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ઈકો ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને કારણે બ્રિજ પર થોડો સમય ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.










































