ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો વધુ એક વાર કારમો પરાજય થયો છે. ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે યોજાયેલી પાલિકા-પંચાયતોની આ ચૂંટણી મીની વિધાનસભા સમાન છે અને આગામી વર્ષે યોજાનારી ચૂંટણીના પરિણામ પર આ ચૂંટણી પરિણામોની અસર જોવા મળવાની છે ત્યારે કોંગ્રેસની દશા અને દિશા નક્કી કરનારી મહ¥વની ગણાતી આ ચૂંટણીઓએ પુરવાર કર્યું છે કે, માત્ર નિવેદનો અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી જીતવાના અભરખા રાખતી કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. કોંગ્રેસના પરાભવ માટે એકથી વધુ પરિબળો જવાબદાર છે, પરંતુ સૌથી ધ્યાન ખેંચે તેવા અને મહત્વના કારણોમાં ઉમેદવારોની પસંદગી અને પાર્ટી ફંડ ઉપરાંત પ્રદેશથી માંડીને ગ્રામ્ય સ્તરે પ્રવર્તી રહેલી જૂથબંધી મુખ્ય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવતી કોંગ્રેસના સ્થાનિક જૂથના નેતાઓએ ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીને મજબૂત કરે તેવા ઉમેદવારોની પસંદગીને બદલે ભાગબટાઈ કરી હતી, જે અંતે ભારે પડી છે. જિલ્લા પ્રમુખોને ઉમેદવારોની સત્તા આપવાનો નિર્ણય થયો હતો, પરંતુ અનેક જિલ્લા પ્રમુખોએ ઉમેદવારોની પેનલ બનાવીને પ્રદેશને સુપરત કરી હતી. પ્રદેશમાંથી જે યાદી આવી તેમાં અસંખ્ય ઉમેદવારો બદલાઈ ગયા હતા! બીજીતરફ અનેક શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોની અસંખ્ય બેઠકો પર તો કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા. છેક છેલ્લી ઘડી સુધી ચૂંટણી લડવા કોંગ્રેસને ઉમેદવારો મળ્યા ન હોવાથી આવા વિસ્તારોમાં હાર પહેલેથી જ નક્કી હતી, પરંતુ માત્ર દેખાવ પુરતા ઉમેદવારો ઊભા રાખવા પડ્યા હોવાની બાબત ઉમેદવારો જાહેર થયા ત્યારે જ ઉજાગર થઈ ગઈ હતી. જૂથબંધીમાં રાચતા કોંગ્રેસના નેતાઓએ સમક્ષ સ્થાનિક સમસ્યાઓ બાબતે લોકોએ જાહેરમાં બળાપો ઠાલવ્યો હતો, પરંતુ લોકોના આક્રોશને મતમાં ફેરવીને રાજકીય ફાયદો લેવામાં કોંગ્રેસ સરેઆમ નિષ્ફળ નીવડી છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો-જનતાના જનાદેશનો સાદર સ્વીકાર કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપના કુશાસન-ભ્રષ્ટાચાર સામેનો લોકોનો આક્રોશ અને નારાજગી મતમાં પરિવર્તિત થયો નથી. અલબત્ત, જે તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટીને લોકોએ આશીર્વાદ આપ્યા છે ત્યારે કોંગ્રેસ જવાબદાર વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવીને જનતાનો અવાજ બની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ, લોકોના હક્ક અને અધિકાર માટે લડત આપશે. જ્યાં કોંગ્રેસને સત્તા મળી છે તેવી પંચાયતોમાં પ્રમાણિકતા અને પૂરી નિષ્ઠાથી વહીવટ કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા તેમણે ઉમેર્યું છે કે, ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ હતાશ થયા વિના લોકશાહીની રક્ષા અને બંધારણ બચાવવાની કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી આગળ વધારી લોકોની વચ્ચે જઈ વિશ્વાસ કેળવીશું. પોલીસ, પ્રશાસન અને સરકારની સામ, દામ, દંડ અને ભેદની નીતિરીતિ સામે લડાયક રીતે ચૂંટણી લડેલા ઉમેદવારો અને જીતેલા ઉમેદવારોને તેમણે અભિનંદન પાઠવ્યા છે.










































