મહેસાણામાં રાજકીય બબાલ વચ્ચે એક યુવાનની હત્યાની ઘટના થઈ હતી જેના કારણે ચૂંટણી પહેલા જ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. આ કેસમાં ભાજપ ઉમેદવારના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા થયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા ૬ આરોપીઓને ધરપકડ કરી છે. આ ઘટનાને લીધે મહેસાણાનું રાજકારણ પણ ગરમાયું હતું.
મહેસાણા શહેરમાં રાજકીય તણાવ વચ્ચે બનેલી એક ગંભીર ઘટનામાં ભાજપ ઉમેદવારના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર ૪ માં કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે થયેલી બબાલ દરમિયાન આ ઘટના બની હતી. બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ વાત હિંસક સ્વરૂપ ધારણ કરી. જેમાં મિતેન ચૌધરી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં તણાવભર્યું માહોલ સર્જાયો હતો અને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ કેસમાં મહેસાણા પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ભરત ચૌધરી, ધવલ ચૌધરી, મયુર ચૌધરી, યશ ચૌધરી, પ્રતીક ચૌધરી અને ધર્મેન્દ્ર ચૌધરીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આ હત્યાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ મહેસાણા પોલીસની અલગ-અલગ ટીમોએ યુપી અને રાજસ્થાનમાં શોધખોળ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે અગાઉથી જ મિતેન ચૌધરીની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી.
આ ઘટનાએ રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે અને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. સ્થાનિક લોકોમાં પણ ભય અને અસુરક્ષાની લાગણી જાવા મળી રહી છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે દોષિતોને કડક સજા મળે તે માટે તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.










































