કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અમિત શાહે કહ્યું કે ગઈકાલે બંગાળમાં મતદાનના પહેલા તબક્કામાં ભારે મતદાન થયું હતું. ચૂંટણીના પહેલા તબક્કામાં કોઈનું મોત થયું નથી, અને હું ચૂંટણી પંચ અને સુરક્ષા દળોનો આ સુનિશ્ચિત કરવા બદલ આભાર માનું છું. હું બંગાળના તમામ મતદારોને અભિનંદન અને આભાર માનવા માંગુ છું જેમણે પહેલા તબક્કામાં મતદાન કર્યું. તમે ભયથી વિશ્વાસ તરફની સફર ખૂબ જ સફળતાપૂર્વક શરૂ કરી છે, અને બીજા તબક્કાના મતદારો પણ ભયથી વિશ્વાસ તરફની આ સફર ચાલુ રાખશે.
અમિત શાહે કહ્યું કે ભાજપને પ્રથમ તબક્કામાં મોટી લીડ મળી છે. મને આ અંગે પ્રતિસાદ મળ્યો છે. અમિત શાહે દાવો કર્યો હતો કે ભાજપ પ્રથમ તબક્કામાં ૧૫૨ માંથી ૧૧૦ બેઠકો જીતવા જઈ રહી છે. તેમણે કહ્યું કે બીજા તબક્કા સહિત, અમે બહુમતી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. અમિત શાહે કહ્યું કે દીદી બંગાળ છોડવા જઈ રહી છે, અને ભાજપ આવવા જઈ રહી છે. ભય જતો રહેશે, વિશ્વાસ આવશે.
ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી કે બંગાળમાં ચૂંટણી જીત્યા પછી, કોઈ બહારનો વ્યક્તિ મુખ્યમંત્રી બનશે નહીં. ભાજપ ફક્ત બંગાળમાં જન્મેલા વ્યકિતને જ બંગાળના મુખ્યમંત્રી બનાવશે. તે બંગાળી ભાષી હશે અને બંગાળ માટે કામ કરશે. શાહે કહ્યું કે આ વખતે બંગાળમાં ટીએમસી સરકાર નહીં બનાવે. મમતાનો ભત્રીજા ક્યારેય બંગાળનો મુખ્યમંત્રી નહીં બને. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાંથી બહાર થશે તે નિશ્ચિત છે. ભાજપ બંગાળમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.
ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે જા ભાજપ બંગાળમાં સરકાર બનાવશે, તો તે ટીએમસીની અંદરના ભ્રષ્ટાચારની તપાસ કરશે. ભ્રષ્ટાચારના તમામ આરોપોની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે અને ગુનેગારોને કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ગુનાહિત સિન્ડિકેટને ખતમ કરીશું. મહિલાઓની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.








































