ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ સ્થાનિક નેતાઓમાં વિખવાદ શરૂ થઈ ગયો છે. વડગામમાં કોંગ્રેસની હાર બાદ જીગ્નેશ મેવાણીએ રાજીનામું આપી દેવું જાઈએ તે અંગેની માંગ ઊભી થઈ છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાના વિસ્તારમાં કોંગ્રેસને જીત અપાવી શક્્યા નથી આટલું જ નહીં પણ બનાસકાંઠામાં કોંગ્રેસ જીગ્નેશ મેવાણીને કારણે જ હારી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આવું નિવેદન કોણે અને કેમ આપ્યું તે અંગેની માહિતી જાઈએ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર બાદ કોંગ્રેસ નેતાઓમાં વિખવાદ શરૂ થઈ ગયો છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પોતાના વિસ્તારમાં કોંગ્રેસનો જાદુ ફેલાવી નથી શક્યા. ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસની હાર મેવાણીના કારણે થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દિનેશ પરમારે હાર બાદ જીજ્ઞેશ મેવાણીને જવાબદાર ગણાવ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ટિકિટોની વહેંચણી થઈ ત્યારે જ કહ્યું હતું કે, આ તો કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે. જેનો જવાબદાર માત્ર અને માત્ર વડગામનો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે. બનાસકાંઠામાં ભારે રકાસ કરી દીધો છે. જે બનાસકાંઠાની પ્રજા હંમેશા કોંગ્રેસ સાથે રહી અને અત્યાર સુધીની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રહી છે. જીગ્નેશ મેવાણીએ રાજીનામું આપી દેવું જાઈએ. જનતાએ તેમને નકાર્યા છે.
નોંધનીય છે કે, ગુજરાતની કુલ ૩૪માંથી ૩૩ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો છે, એટલે કે ૯૭ ટકા જિલ્લા પંચાયત પર ભાજપે કબજા કરી લીધો છે. ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સાબિત કર્યું છે કે, જનતા માત્ર અને માત્ર વિકાસની રાજનીતિની સાથે છે. ગુજરાતમાં કુલ ૩૪ જિલ્લા પંચાયતમાં મતદાન થયું હતું.