યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બોલ્ડ દાવો કર્યો છે, જેમાં કહ્યું છે કે ઈરાન હાલમાં “ગંભીર કટોકટી” માં છે અને તેઓ ઇચ્છે છે કે અમેરિકા શક્ય તેટલી વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટ ખોલે. ટ્રમ્પે આ નિવેદન સોશિયલ મીડિયા પોસ્ટમાં આપ્યું છે, જોકે તે સ્પષ્ટ નથી કે ઈરાને આ સંદેશ યુનાઇટેડ સ્ટેટ્‌સને કેવી રીતે પહોંચાડ્યો. આ દાવા અંગે ઈરાન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ઈરાન ઇચ્છે છે કે યુનાઇટેડ સ્ટેટ્‌સ શક્ય તેટલી વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટ ખોલે જેથી તે તેના નેતૃત્વના મુદ્દાઓને ઉકેલી શકે.

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ઈરાન તેના આંતરિક મતભેદોને ઉકેલી શકશે. જાકે, આ દાવા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે, કારણ કે વ્હાઇટ હાઉસે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે ઈરાન વતી સંદેશ કોણે પહોંચાડ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સમાં કોણે તે પ્રાપ્ત કર્યો, અને વાતચીત સીધી થઈ કે કોઈ મધ્યસ્થી દ્વારા. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે, “ઈરાને અમને જાણ કરી છે કે તે ‘ગંભીર કટોકટી’માં છે અને ઇચ્છે છે કે અમે શક્ય તેટલી વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટ ખોલીએ.” ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે વૈશ્વીક ઉર્જા પુરવઠા પર ગંભીર અસર કરી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે, જે વૈશ્વીક તેલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ વહન કરે છે. તેથી, આ જળમાર્ગ બંધ થવાથી અથવા વિક્ષેપ પડવાથી વૈશ્વીક ઉર્જા પુરવઠા અને તેલના ભાવ પર સીધી અસર પડે છે. સોમવારે અગાઉ ટ્રમ્પે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક યોજી હતી, જ્યાં ઈરાનના તાજેતરના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. આ પ્રસ્તાવ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ મુદ્દા પર ચર્ચા થઈ હતી, પરંતુ તેમણે બેઠકના પરિણામ પર ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

દરમિયાન, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું છે કે ઈરાન અમેરિકા સાથે કરાર કરવા માટે “ગંભીર” છે, પરંતુ સમય લેવા માંગે છે. તેમણે કહ્યું, “ઈરાન તેની વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માંગે છે, પરંતુ દેશની અંદર વિવિધ જૂથો વચ્ચેના મતભેદો વાટાઘાટોને મર્યાદિત કરી રહ્યા છે.” રુબિયોએ એ પણ સંકેત આપ્યો હતો કે ઈરાનના નેતૃત્વમાં મતભેદો શાંતિ વાટાઘાટોને અસર કરી રહ્યા છે. યુએસ વહીવટીતંત્ર પણ માને છે કે ઈરાની બંદરો પર ચાલી રહેલી નૌકાદળ નાકાબંધીનો પ્રભાવ પડી રહ્યો છે.