ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નોંધાયેલી જંગી જીત બાદ હવે રાજકીય દ્રશ્ય વધુ સક્રિય બન્યું છે. રાજ્યભરમાં બહુમતી સાથે સત્તા હાંસલ કર્યા પછી હવે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયત સ્તરે મહત્વના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ સંગઠન દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આગામી સપ્તાહે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોના નામો પર આખરી નિર્ણય લેવામાં આવશે.
તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપે ૩૯૩માંથી ૩૫૩ સ્થાનિક સંસ્થાઓમાં વિજય મેળવી આશરે ૯૦ ટકા જેટલો પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટ નોંધાવ્યો છે. મહાનગરપાલિકાઓમાં તો પાર્ટીએ સંપૂર્ણ દબદબો જમાવ્યો છે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓમાં બે તૃતીયાંશથી વધુ બહુમતી સાથે ૧૦૦ ટકા વિજય પ્રાપ્ત કર્યો છે. તે જ રીતે ૮૪ નગરપાલિકાઓમાંથી ૭૬, ૩૪ જિલ્લા પંચાયતોમાંથી ૩૩ અને ૨૬૦ તાલુકા પંચાયતોમાંથી ૨૨૯ પર કબજા મેળવી ભાજપે રાજ્યના સ્થાનિક શાસન પર મજબૂત પકડ બનાવી છે.
આ જંગી જીત બાદ હવે સત્તાના કેન્દ્રસ્થાનો માટે નેતૃત્વ નક્કી કરવાનું અગત્યનું બની ગયું છે. મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતા જેવા હોદ્દાઓ માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે. બીજી તરફ નગરપાલિકા અને પંચાયતોમાં પ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતા માટે પણ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.
હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું મંત્રીમંડળ ૧ મેના રોજ સુરત ખાતે યોજાનારા ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અને દક્ષિણ ગુજરાત માટેની રીજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનમાં વ્યસ્ત છે. આ બંને મહત્વના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ત્યારબાદ હોદ્દેદારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે.
પાર્ટી સૂત્રો અનુસાર, ભાજપ દ્વારા લોકશાહી ઢબે ‘સેન્સ’ લેવાની પરંપરા મુજબ પ્રક્રિયા હાથ ધરાશે. નિરીક્ષકોને અલગ-અલગ વિસ્તારોમાં મોકલી સ્થાનિક કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો પાસેથી અભિપ્રાય લેવામાં આવશે. આ માહિતીના આધારે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ભાજપમાં સામાન્ય રીતે હોદ્દેદારોની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવે છે, જેથી આંતરિક મતભેદો ટાળી શકાય અને સંગઠન મજબૂત રહે. અંતિમ નામો નક્કી થયા બાદ સંબંધિત સંસ્થાઓની સામાન્ય સભામાં ઔપચારિક રીતે મંજૂરી આપી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
રાજકીય વિશ્લેષકો માને છે કે આ પ્રક્રિયા માત્ર હોદ્દા વહેંચણી પૂરતી નથી, પરંતુ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સ્થાનિક શાસનમાં અસરકારકતા લાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. આગામી સપ્તાહના અંત સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.