ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ’ ખાતે આયોજિત ‘બનાસ વિજ્યોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.જગદીશ વિશ્વકર્માએ માં અંબા’ ના જયઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ચારેય તરફ લહેરાયેલો ભાજપાનો ભગવો એ જનતાના અતૂટ વિશ્વાસ અને કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમનું પરિણામ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને નાત-જાત અને પ્રાંતવાદની રાજનીતિથી મુક્ત કરી ‘વિકાસની રાજનીતી’ની જે ભેટ આપી છે, તેનાથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસની બુલેટ ટ્રેન આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે.
જગદીશ વિશ્વકર્માએ વિજયનો શ્રેય સંગઠનને આપતા કહ્યું કે, રાજ્યના ૫૦ હજાર બૂથ અને બનાસકાંઠાના ૨૦૨૫ બૂથ પર ભાજપનો કાર્યકર્તા રાત-દિવસ જાયા વગર લડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે છેલ્લા ૩૦ વર્ષનો ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉમેર્યું કે, ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી ટાણે જ નહીં, પણ ૩૬૫ દિવસ સેવા અને સમર્પણના ભાવથી જનતાની વચ્ચે રહે છે, જે ભાજપની સાચી ઓળખ છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ૩૧ વર્ષ બાદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેમણે ટકોર કરી કે, જેઓ પોતાને આ જ્ઞાતિ કે તે જ્ઞાતિના નેતા ગણાવતા હતા અને ભાજપના ગઢમાં ગાબડું પાડવાની વાતો કરતા હતા, તેમને જનતાએ તેમના જ ગઢમાં જડબાતોડ જવાબ આપ્યો છે. જ્ઞાતિવાદ ફેલાવનારા કોંગ્રેસના નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, નારી વંદના અધિનિયમનું અપમાન કરનારી બહેનને બનાસની નારીશક્તિ  ક્યારેય માફ નહીં કરે અને આગામી દિવસોમાં તેનો કરારો જવાબ આપશે.
વિજયના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, ૧૫ મહાનગરપાલિકામાં ૧૦૦% સ્ટ્રાઇક રેટ સાથે અને નગરપાલિકામાં ૮૪ માંથી ૭૬માં, જિલ્લા પંચાયતમાં ૩૪ માંથી ૩૩માં, તાલુકા પંચાયતમાં ૨૬૦ માંથી ૨૨૯માં ભાજપાનો ભગવો લહેરાયો છે. કુલ ૩૯૩ એકમોની અંદર ૧૦ હજાર કાર્યકર્તાઓ ચૂંટણી લડતા હતા આખા રાજ્યમાં ૯૦ ટકા કરતા વધુ સંસ્થાઓમાં સ્પષ્ટ અને જંગી બહુમતોથી ભાજપાને વિજય અપાવી વિકાસને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનતાએ જનસમર્થન આપ્યું છે.
અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ‘તૃષ્ટીકરણની જગ્યાએ સંતુષ્ટીકરણ’ની જે રાજનીતિ આપી છે, તેના કારણે આગામી ૨૦૨૭ અને ૨૦૨૯ની ચૂંટણીઓમાં પણ ભાજપ ભવ્ય ઐતિહાસિક પરિણામો સાથે વિજયી બનશે. તેમણે ઉમેર્યું કે, જેમ માં અંબાના શિખર પર ધ્વજા કાયમ ફરકે છે, તેમ ગુજરાતમાં ભાજપનો ભગવો પણ સદાય લહેરાતો રહેશે. તેઓએ ૪ એપ્રિલે આવનાર ૫ રાજ્યોના વિધાનસભા ચુંટણીના પરિણામમાં ભાજપાના ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પ્રવિણ માણી, પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, પ્રદેશ મંત્રી સંજય દેસાઇ, જિલ્લા ભાજપા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પ્રભારી ધવલ દવે, પુર્વ કેન્દ્રિયમંત્રી હરિ ચૌધરી, સાંસદ બાબુ દેસાઇ, ધારાસભ્યો, આગેવાનો, અગ્રણીઓ, નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિ કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.