ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. આ ચૂંટણીમાં જનતાએ પક્ષપાત કે પક્ષની વિચારધારા કરતા પરિવારવાદ વિરુદ્ધ પોતાનો મજબૂત મતાધિકાર વાપરીને મોટો સંદેશ આપ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મોટા ગજાના નેતાઓએ જ્યારે પોતાના પરિવારજનોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા, ત્યારે મતદારોએ તેમને સ્પષ્ટપણે નકારી દીધા છે.
બનાસકાંઠા જિલ્લાની વિરમપુર તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડીના પુત્ર દિનેશ ખરાડી આ બેઠક પરથી ઉમેદવાર હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે જે વિસ્તાર કાંતિ ખરાડીનો પોતાનો ધારાસભ્ય મતવિસ્તાર છે, ત્યાં જ જનતાએ તેમના પુત્રને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. દિનેશ ખરાડીને વિરમપુર તાલુકા પંચાયતની આ બેઠક પર ૨૦૦ થી વધુ મતોના અંતરથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ધારાસભ્યના પુત્ર હોવા છતાં જનતાએ આપેલું આ પરિણામ પરિવારવાદ સામેનો પ્રચંડ જનાદેશ છે.
પરિવારવાદને નકારવાનો આવો જ ટ્રેન્ડ નડિયાદમાં પણ જાવા મળ્યો છે. નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈના પિતરાઈ ભાઈ હેમલ ચીનુભાઈ પટેલને મતદારોએ પરાજય આપ્યો છે. હેમલ પટેલ વોર્ડ નંબર ૧૨માંથી ચૂંટણી લડી રહ્યા હતા. જાણવા મળ્યા મુજબ, ધારાસભ્ય પંકજ દેસાઈએ હેમલ પટેલને મેન્ડેટ અપાવવા માટે એડી ચોટીનું જાર લગાવ્યું હતું, પરંતુ જનતાએ તેમને જાકારો આપ્યો છે. નડિયાદમાં ભાજપનો વિજય રથ આગળ વધ્યો હોવા છતાં, હેમલ પટેલની ૪૬૬ મતોથી થયેલી હાર એ વાતની સાબિતી છે કે લોકો હવે નેતાઓના સંબંધીઓને લાદવાની નીતિથી નારાજ છે.
આવી જ રીતે ખેરાલુમાં પણ પરિવારવાદનો ફિયાસ્કો જાવા મળી રહ્યો છે. ખેરાલુમાં પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના પુત્રની કરારી હાર થઈ છે. ખેરાલુની મલેકપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં નરેન્દ્ર અજમલજી ઠાકોર હાર્યા છે. ત્યારે આ પરિણામો સાબિત કરે છે કે લોકશાહીમાં મતદારો હવે વધુ જાગૃત બન્યા છે. ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ, જા કોઈ નેતા પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પરિવારના સભ્યોને સત્તા પર બેસાડવાનો પ્રયત્ન કરશે, તો તેને હારનો સ્વાદ ચાખવો પડશે. વિરમપુરમાં ૨૦૦થી વધુ મતો અને નડિયાદમાં ૪૬૬ મતોની હાર રાજકીય પક્ષો માટે લાલબત્તી સમાન છે.







































