શહેરના જેસીંગપરા-શિવાજી ચોક માર્ગ નજીક આવેલ એસ.ટી બસ સ્ટેન્ડ પર ગેરકાયદેસર રીતે ગોલાની લારી ઉભી રાખવામાં આવતી હોવાની જાણ પોલીસમાં કરવામાં આવી છે. પાલાભાઈ મારુ નામના નાગરિકે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે આ લારીને કારણે બસ સ્ટેન્ડ વિસ્તારમાં અવરજવર મુશ્કેલ બની રહી છે.ફરિયાદ મુજબ, લારી ચાલક દ્વારા બસ સ્ટેન્ડ અંદર અને બહાર અડચણરૂપ રીતે કબજો જમાવવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોને ચડવા-ઉતરવામાં તકલીફ પડે છે. ખાસ કરીને ભારે ટ્રાફિક અને ગરમીના સમયમાં મુસાફરોને રોડ પર ઉભા રહેવું પડે છે, જે અકસ્માતનું જોખમ વધારી શકે છે. ફરિયાદીએ સંબંધિત તંત્રને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને લારી દૂર કરવાની અને મુસાફરોને રાહત આપવા માંગ કરી છે.