સાવરકુંડલા શહેરમાં વીજળીની નજીવી બાબતે કુટુંબીજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલામાં પાવરહાઉસ પાછળ રહેતા લાભુબેન છનાભાઇ પરમાર (ઉ.વ. ૫૮)એ જગદીશભાઈ પદ્માભાઈ પરમાર, કેતનભાઈ અને ઘનશ્યામભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ તેમના ઘરનો લાઈટ કેબલ કાપી નાખ્યો હતો. આ બાબતે તેમના પતિએ ઠપકો આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં લાભુબેનને માથામાં ત્રણ અને તેમના પતિને ચાર ટાંકા આવે તેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.સામા પક્ષે ઘનશ્યામભાઇ પદ્માભાઈ પરમારે છનાભાઈ, ભરતભાઈ તથા દીપકભાઈ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના ઘરે લાઈટ જતી રહી હોવાથી તેમનો ભાઈ જ્યારે વીજ થાંભલે સમારકામ કરી રહ્યો હતો, ત્યારે આરોપીઓએ ‘અમારા ઘરની લાઈટ કેમ કાપી નાખી?’ તેમ કહી ઝઘડો કરી ઈંટોના છૂટા ઘા માર્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.










































