રાજુલા ટાઉન વિસ્તારમાં ધોળા દિવસે થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં રાજુલા પોલીસ ટીમે સરાહનીય કામગીરી કરી હતી. તત્વ જ્યોતિ વિસ્તારમાં રહેતા ફરિયાદી જ્યારે જમવા ગયા હતા, તે દરમિયાન બંધ મકાનની ગ્રીલ તોડી રૂ. ૯૫,૦૦૦ની રોકડ અને મોબાઈલ ચાર્જરની ચોરી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. ગત તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ ફરિયાદી બપોરે પોણા એક વાગ્યે મકાન બંધ કરી જમવા ગયા હતા અને બે વાગ્યે પરત ફર્યા હતા. આ આશરે સવા કલાકના સમયગાળામાં અજાણ્યા ચોરોએ મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂ. ૯૫,૦૦૦ અને બે આઈફોન ચાર્જર મળી કુલ રૂ. ૯૬,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાજ નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન તત્વ જ્યોતિ વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ યુવકોને પકડી પાડી પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરી હતી.પકડાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મહેશ ઉર્ફે “વાલુ” હિતેશભાઇ સોલંકી (ઉ.વ. ૨૦) સામે પીપાવાવ મરીન પોલીસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સાગર ઉર્ફે “રાણો” જગુભાઇ માળી (ઉ.વ. ૨૦) – જુગાર અને અન્ય અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્યારે સત્યજિત ઉર્ફે “સતુ” જગુભાઇ ધાખડા (ઉ.વ. ૨૧) – અગાઉ પીપાવાવ મરીન પોલીસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ રોકડ રૂ. ૯૫,૦૦૦ અને રૂ. ૧,૦૦૦ની કિંમતના બે આઈફોન ચાર્જર મળી કુલ રૂ. ૯૬,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.











































