પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં વડોદરાના એક જ પરિવારના ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાનો આ પરિવાર રાજસ્થાનથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કાલોલ પાસે તેમની કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને સીધી રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ જારદાર ધડાકો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જાકે, કમનસીબે પરિવારના ચાર સભ્યોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માતમાં ૫૫ વર્ષીય સાજિદ ઇકબાલ ખીનજી, ૫૦ વર્ષીય ઇલિયાસ ઇકબાલ ખીનજી, ૪૮ વર્ષીય ઇશાક ઇકબાલ ખીનજી અને ૩૫ વર્ષીય રેહાન અજગર ખીનજીનું અવસાન થયું છે. આ પાંચ પૈકી માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનીક પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં રહેતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા સમગ્ર પરિવાર અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.









































