ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં દર વર્ષે ૧૦૦ આદર્શ ગામ વિકસિત કરવાની નેમ વ્યક્ત કરી છે. ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના સહયોગથી ગામડાંઓને શહેર જેવી સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.તેમણે રાસાયણિક કૃષિના દુષ્પ્રભાવ અંગે ચેતવણી આપતાં જણાવ્યું કે તેના કારણે ખોરાક ઝેરી બન્યો છે અને ગંભીર બીમારીઓમાં વધારો થયો છે. એક અભ્યાસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે માતાનું દૂધ પણ પ્રદૂષિત થવાનું જોખમ ઉભું થયું છે.
તેથી ખેડૂતોને તબક્કાવાર ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ જમીનની ઉપજાઉ શક્તિ વધારશે અને આરોગ્ય માટે લાભદાયક છે. હાલમાં ગુજરાતમાં લાખો ખેડૂતો આ પધ્ધતિ અપનાવી રહ્યા છે. કાર્યક્રમના મુખ્ય આયોજક, રાકેશભાઈ દુધાતે કાર્યક્રમના પ્રારંભે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.   આ પ્રસંગે રાજ્યપાલનું શ્રી હરિ ગ્રુપ- દુધાત પરિવાર, ગામ આગેવાનો અને મહંત સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, મંગલ સ્વામી સહિતના સંતોએ સ્મૃતિચિન્હ અર્પણ કરીને વિશેષ સ્વાગત-સન્માન કર્યું હતું.આ પ્રસંગે સ્વામિનારાયણ સંતો, અગ્રણી શ્રી મનહરભાઈ,  ઘનશ્યામભાઈ શંકર,  રાકેશ ધોળકિયા, દિનુભાઈ દુધાત, ત્રાકુડા ઉપરાંત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.