રાણીપ વિસ્તારમાં ગત ૨૨ માર્ચના રોજ દશરથભાઈ દેસાઈએ કરેલા આપઘાત કેસમાં રાણીપ પોલીસે ફરાર પત્ની ભગવતી દેસાઈની ધરપકડ કરી છે. મરતા પહેલા દશરથભાઈએ એક વીડિયો બનાવીને પત્નીના કાળા કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. પત્નીના આડા સંબંધો, આર્થિક છેતરપિંડી અને વારંવારની ધમકીઓએ એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે.
અમદાવાદની રાણીપ પોલીસની ગિરફ્તમાં રહેલી આ મહિલા એ જ છે જેણે પોતાના જ પતિને મરવા માટે મજબૂર કર્યો હતો. જેનું નામ ભગવતી છે, પણ કામ કર્યા છે કાળા…ગત ૨૨ માર્ચના રોજ જ્યારે દશરથભાઈએ અંતિમ પગલું ભર્યું અને મોત ને વહાલું કર્યું હતું, ત્યારે મૃતક દશરથ દેસાઈ એ એક આપવીતી નો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે પત્ની ભગવતી દેસાઈના અન્ય પુરુષો સાથેના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસ આપનારા મહેશ, લસીબેન, ભીખાભાઈ અને સુરેખા જેવા અલગ અલગ નામોનો ઉલ્લેખ કર્યો હતો.
પતિ દશરથ દેસાઈના આત્મહત્યા કેસ મામલે આરોપી પત્ની ભગવતીની આગોતરા જામીન અરજી રદ થતા તે ગામડે ફરાર થઈ ગઈ હતી જે માહિતી રાણીપ પોલીસ ને મળી હતી કે અમદાવાદ એસટી સ્ટેન્ડ ખાતે આવવાની છે જેને લઈને રાણીપ પોલીસે બસ ડેપો ખાતેથી ઝડપી પાડી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે મૃતકના ભાઈ દેવશીભાઈ દેસાઈના આક્ષેપો સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય તેમ છે. તેમના મતે, દશરથભાઈએ જિંદગીભર જે કમાણી કરી તે તમામ પત્ની ભગવતીએ પડાવી લીધી હતી.
પત્નીએ ઘરના દાગીના ગીરવે મૂકીને પૈસા વેડફી નાખ્યા હતા અને અત્યાર સુધી ૨૫ લાખ રૂપિયાનો કોઈ હિસાબ મળ્યો નથી. ભગવતી પોતે આપઘાત કરવાની ધમકી આપી દશરથભાઈને દબાવતી હતી અને ઘરકંકાસ બાદ પત્ની તેના ભાઈઓ સાથે જતી રહેતા દશરથભાઈ ભારે માનસિક તણાવ માં સરી પડ્યા હતા જેના કારણે આત્મહત્યા કરવા નો વારો આવ્યો હતો. રાણીપ પોલીસે ભગવતીનો મોબાઈલ કબજે કર્યો છે અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં પત્નીના અનેક લોકો સાથે અનૈતિક સંબંધો હોવાનું ફલિત થઈ રહ્યું છે. હવે મૃતકના પરિજનો માંગ કરી રહ્યા છે કે વીડિયોમાં જે અન્ય લોકોના નામ લેવામાં આવ્યા છે, તેમની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જેથી દશરથભાઈને સાચો ન્યાય મળે. પત્નીના આડા સંબંધો અને લાલચે એક પરિવારનો સુખી માળો વિખેરી નાખ્યો છે. પોલીસ હવે ટેકનિકલ પુરાવા દ્વારા ભગવતીના પાપનું આખું કાળું પોટલું ખુલ્લું પાડશે.








































