અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ઈ.સ.૧૯૯૨ થયેલી હત્યાનો આખરે ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે ભેદ ઉકેલ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં વર્ષ ૧૯૯૨માં થયેલી ચકચારી હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મુંબઈની યુવતી શબનમ ઉર્ફે ફરઝાનાની હત્યાના આ કેસમાં અત્યાર સુધી જે આરોપી મૃત મનાતો હતો, તે સમસુદ્દીન જીવિત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ગત રાતથી જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમસુદ્દીનની અટકાયત કરીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. વર્ષો સુધી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપીની ધરપકડ બાદ અનેક કાળા ચિઠ્ઠા ખુલવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આ ઓપરેશન પાર પાડ્યું છે.
વર્ષ ૧૯૯૨ની ઘટનામાં મુંબઈની શબનમ નામની યુવતી તેના પ્રેમી સમસુદ્દીન સાથે અમદાવાદ આવી હતી. પરંતુ પ્રેમ સંબંધમાં અણબનાવ બનતા સમસુદ્દીને શબનમની કરપીણ હત્યા કરી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચને શંકા હતી કે હત્યા બાદ લાશને ઘરના જ કૂવામાં દાટી દેવામાં આવી હતી. આ શંકાના આધારે તાજેતરમાં જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવતા ત્યાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા.
ખોદકામ દરમિયાન મળી આવેલા હાડકાં અને અન્ય માનવ અવશેષો ખરેખર શબનમના જ છે કે કેમ, તેની પુષ્ટિ કરવા માટે પોલીસે વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે. મળી આવેલા અવશેષોનું ફોરેન્સિક લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે. મૃતક યુવતીના ભાઈના સેમ્પલ લઈને અવશેષો સાથે  મેચિંગની પ્રક્રિયા કરવામાં આવશે. આ રિપોર્ટ બાદ જ કાયદેસર રીતે સાબિત થશે કે આ અવશેષો શબનમના જ છે.
સમસુદ્દીન આટલા વર્ષો સુધી ક્યાં છુપાયો હતો અને તેણે પોતાની ઓળખ કેવી રીતે છુપાવી રાખી હતી, તે અંગે ક્રાઈમ બ્રાન્ચ હાલ તપાસ કરી રહી છે. ૩૨ વર્ષ બાદ આ કેસમાં આવેલા વળાંકે સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ તો મૃતકના ભાઈ સાથે અવશેષોના ડીએનએ મેચિંગની પ્રક્રિયા એક તરફ હાથ ધરાઈ છે. તો બીજી તરફ સમસુદ્દીન જીવિત હોવાનો ખુલાસો થયો. ગઈકાલ રાતથી સમસુદ્દીન ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં છે.