છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે માનવતાને શર્મશાર કરતી એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક ૬૫ વર્ષીય આદિવાસી વૃદ્ધાની લૂંટના ઈરાદે ઘાતકી હત્યા કરવામાં આવી છે. લૂંટારુઓએ વૃદ્ધાના પગમાં પહેરેલા ચાંદીના કડા મેળવવા માટે તેમના બંને પગ કાપી નાખ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગઢબોરીયાદ ગામના મુખ્ય માર્ગ પર આવેલા એક કાચા ઝૂપડામાં ૬૫ વર્ષીય દત્રીબેન ભીમાભાઇ ભીલ એકલા રહેતા હતા. આદિવાસી પરંપરા મુજબ તેઓ પગમાં ચાંદીના ભારે કડા પહેરતા હતા. ગત રાત્રિ દરમિયાન જ્યારે દત્રીબેન ઘરે એકલા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી તેમના પર હુમલો કર્યો હતો. લૂંટારુઓએ વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેમના પગમાં પહેરેલા ચાંદીના કડા કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડા નીકળે તેમ ન હોવાથી ક્રૂરતાની હદ વટાવી હત્યારાઓએ વૃદ્ધાના બંને પગ કાપી નાખ્યા હતા અને કડા લઈને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ નસવાડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ડર છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યા અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આદિવાસી વિસ્તારમાં માત્ર ઘરેણાં માટે વૃદ્ધાની આ રીતે થયેલી નિર્મમ હત્યાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.








































