અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મોસાળ ગણાતા સરસપુરમાં મામેરું ભરવાનું અહોભાગ્ય તેજસ દવે પરિવારને પ્રાપ્ત થયું છે. તાજેતરમાં યોજાયેલા લકી ડ્રોમાં તેજસભાઈના પરિવારનું નામ ખુલતા જ તેમના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
રીયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા તેજસ દવે છેલ્લા સાત-આઠ વર્ષથી ભગવાનના મામેરાના યજમાન બનવા માટે સતત પ્રયત્નશીલ હતા. દર વર્ષે તેઓ આશા સાથે ફોર્મ ભરતા, પરંતુ આ વર્ષે ભગવાન જગન્નાથની વિશેષ કૃપા ઉતરી હોય તેમ લકી ડ્રોમાં તેમનું નામ જાહેર થયું હતું. વર્ષોની તેમની મનોકામના પૂર્ણ થતા પરિવારમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
તેજસભાઈ માટે આ અવસર માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પણ ભાવનાત્મક જાડાણ પણ ધરાવે છે. તેમનું બાળપણ સરસપુરની પોળોમાં જ વીત્યું છે. જે ગલીઓમાં તેઓ રમ્યા અને મોટા થયા, તે જ ધરતી પર ભગવાનના મોસાળ પક્ષ બનીને મામેરું ભરવું એ તેમના માટે જીવનનો સૌથી યાદગાર લહાવો બની રહેશે. તેજસ દવેએ જણાવ્યું હતું કે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ નથી હલતું. હું વર્ષોથી આતુરતાથી રાહ જાતો હતો કે ક્્યારે ભગવાન મારા આંગણે પધારે અને મને તેમની સેવા કરવાનો મોકો મળે. આ વર્ષે મારી ભક્તિ સ્વીકારાઈ છે.
અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા દરમિયાન સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દવે પરિવાર અત્યારથી જ મામેરાની વસ્તુઓ જેવી કે ભગવાનના વાઘા, આભૂષણો અને અન્ય ભેટ-સોગાદો તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જ્યારે સરસપુરના આંગણે પધારશે, ત્યારે દવે પરિવાર ભક્તિભાવપૂર્વક તેમને આવકારવા અને મામેરું અર્પણ કરવા થનગની રહ્યો છે. રથયાત્રાના ઇતિહાસમાં આ ૧૪૯મું વર્ષ હોવાથી આ ઉત્સવ વધુ ભવ્ય રીતે ઉજવવામાં આવશે.










































