રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબી ફોન વાતચીત થઈ. ક્રેમલિન અનુસાર, વાતચીત દોઢ કલાકથી વધુ ચાલી હતી અને તેને “મૈત્રીપૂર્ણ અને વ્યાવસાયિક” તરીકે વર્ણવવામાં આવી હતી. વાતચીત દરમિયાન, પુતિને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો. તેમણે બીજા વિશ્વયુદ્ધના અંતની વર્ષગાંઠ, વિજય દિવસ પર આવતા મહિને કામચલાઉ યુદ્ધવિરામ લાગુ કરવાની હાકલ કરી. ટ્રમ્પે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, તેને એક સકારાત્મક પગલું ગણાવ્યું.
ક્રેમલિન અનુસાર, ટ્રમ્પ માને છે કે યુક્રેનિયન સંઘર્ષને સમાપ્ત કરવા માટે કરાર હવે નજીક છે. પુતિને યુક્રેન પર “આતંકવાદી પદ્ધતિઓ” નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. બંને નેતાઓએ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની સરકારના વલણની પણ ચર્ચા કરી. ક્રેમલિન અનુસાર, પુતિન અને ટ્રમ્પ બંને માને છે કે કિવ સરકારનું વર્તન સંઘર્ષને લંબાવી રહ્યું છે. એ નોંધવું જાઈએ કે ટ્રમ્પની ઝેલેન્સકી પ્રત્યેની નારાજગી ભૂતકાળમાં ઘણી વખત સામે આવી છે, અને તેમણે યુક્રેન પર યુદ્ધવિરામ માટે દબાણ કર્યું છે.
ફોન કોલમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પણ વિગતવાર ચર્ચા થઈ. પુતિને આ મુદ્દાને ઉકેલવા માટે કેટલાક નવા સૂચનો આપ્યા. તેમણે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાના ટ્રમ્પના નિર્ણયને પણ ટેકો આપ્યો. પુતિને ચેતવણી પણ આપી હતી કે જા અમેરિકા અને ઇઝરાયલ ફરીથી મધ્ય પૂર્વમાં લશ્કરી કાર્યવાહી કરે છે, તો તેના ગંભીર અને નુકસાનકારક પરિણામો આવી શકે છે. ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, પુતિને ટ્રમ્પ પર તાજેતરમાં થયેલા હુમલાના પ્રયાસની પણ નિંદા કરી અને ચિંતા વ્યક્ત કરી.
વાતચીત દરમિયાન, બંને નેતાઓએ સંભવિત આર્થિક અને ઉર્જા પ્રોજેક્ટ્‌સ પર પણ ચર્ચા કરી, જે ભવિષ્યમાં સહયોગ માટે શક્યતાઓ ખોલી શકે છે. ક્રેમલિનના જણાવ્યા અનુસાર, લગભગ દોઢ કલાક લાંબી વાતચીતના અંતે, બંને નેતાઓએ એકબીજાને ઉષ્માભર્યા વિદાય આપી. પુતિન અને ટ્રમ્પ વચ્ચેની આ વાતચીત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુક્રેન યુદ્ધવિરામ, ઈરાન મુદ્દો અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ સહિત અનેક મુખ્ય વિષયો પર ચર્ચા સૂચવે છે કે આગામી દિવસોમાં રાજદ્વારી પ્રવૃત્તિ વધુ તીવ્ર બની શકે છે.