સુરતના રસ્તાઓ પર બેફામ દોડતા ડમ્પરો વધુ એક આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે. અલથાણ વિસ્તારમાં સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં એલએન્ડટી કંપનીમાં ડિઝાઇન એન્જિનીયર તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય જયેશ બોરસેનું તોતિંગ ડમ્પરના વ્હીલ નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાઈને કોઈનું પણ કાળજું કંપાઈ ઉઠે તેવા છે.
અલથાણ શ્યામ મંદિર પાસે સર્જાયેલા આ અકસ્માતના ફૂટેજમાં જાઈ શકાય છે કે જયેશ પોતાની એકટીવા પર શાંતિથી લેન પર જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે તેને અડફેટે લીધો હતો. જયેશ તેની બાઈક સાથે ડમ્પરના વચ્ચેના ટાયરમાં ફસાઈ ગયો હતો અને ડમ્પર તેને થોડે દૂર સુધી ઘસડી ગયું હતું. હેલ્મેટ પહેર્યું હોવા છતાં ડમ્પરનું ટાયર માથા પરથી ફરી વળતા જયેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જયેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લવાતા ત્યાંના દ્રશ્યો અત્યંત આઘાતજનક હતા. જયેશના લગ્નની તૈયારીઓ વિચારી રહેલી માતાનું હૈયાફાટ રુદન જાઈ હોસ્પિટલ સ્ટાફની આંખો પણ ભીની થઈ ગઈ હતી. માતા વારંવાર એક જ આલાપ કરી રહી હતી કે, “બેટા, તારા તો લગન કરાવાના હતા, આ શું થઈ ગયું!” જે ઘરમાં લગ્નના ગીતો ગાવાના હતા ત્યાં આજે મરણના મરશિયા ગવાઈ રહ્યા છે.
મૃતક જયેશ તેના પરિવારમાં આર્થિક રીતે મોટો આધાર હતો. તેના પિતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. સંસ્કારી અને હોશિયાર પુત્રના અકાળે અવસાનથી ગોડાદરાના હરિઓમનગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલક રામ નરેશ યાદવને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઇ જીતેન્દ્ર ઝામરે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડમ્પર ખજાદથી કપચી ભરીને જઈ રહ્યું હતું ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
જયેશના મામા મનોજભાઈ આહિરેએ ભારે હૈયે તંત્ર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, શહેરમાં બેફામ દોડતા ડમ્પરો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. આ ડમ્પરો પર કડક લગામ લાવવી જરૂરી છે જેથી બીજા કોઈનો ‘જયેશ’ છીનવાય નહીં.