સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાઈ ચૂક્્યો છે, ત્યારે અત્યારથી વર્ષ ૨૦૨૭માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો જાવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એક મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે.
વિરોધ પક્ષ પર નિશાન સાધતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભલે ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ જનતા તેમને સ્વીકારવા તૈયાર નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ૨૦૨૭માં પણ કોંગ્રેસનો ‘પંનો’ ટૂંકો પડશે, વિપક્ષ પાસે ન તો કોઈ ચોક્કસ વિઝન છે કે ન તો નેતૃત્વ. ભાજપના વિકાસકાર્યો સામે વિરોધ પક્ષના તમામ દાવ ફેઈલ જશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપે અત્યારથી જ ૨૦૨૭ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમે ૨૦૨૭ની જીત માટેનો મજબૂત પાયો તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ નાખી દીધો છે. જનતાનો ભાજપ પરનો અતૂટ વિશ્વાસ સાબિત કરે છે કે ભવિષ્યમાં પણ રાજ્યમાં કમળ જ ખીલશે.”
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓના કામોને કારણે ભાજપ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. સંગઠનલક્ષી તૈયારીઓ અને કાર્યકર્તાઓના જારે ભાજપ ૨૦૨૭માં ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.