ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ૧૧ મેના રોજ પીએમ મોદી સૌરાષ્ટÙ અને મધ્ય ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રાજ્યને નવી ભેટ ધરશે. આ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પીએમ મોદીના આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ પ્રથમ જ્યોતિ‹લગ એવા સોમનાથ મહાદેવનું મંદિર રહેશે. ૧૧ મેના રોજ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને ‘સ્વાભિમાન પર્વ’ તરીકે ઉજવવામાં આવનાર છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પીએમ મોદી આ ગરિમામય કાર્યક્રમમાં હાજરી આપી મહાદેવના આશીર્વાદ લેશે.
સોમનાથ બાદ પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાતે પહોંચશે. વડોદરામાં નેશનલ હાઈવે પાસે નિર્માણ પામેલા ભવ્ય સરદારધામનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ વિશેની મુખ્ય વિગતોની વાત કરીએ તો અંદાજે ૧૫૦ કરોડના ખર્ચે આ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. ૨૦૦૦ જેટલા દીકરા-દીકરીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા ઉભી કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અહીં ખાસ યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવવામાં આવશે.
પીએમ મોદીના આગમનને પગલે વડોદરા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સરદારધામની મુલાકાત લઈને સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે. કાર્યક્રમ સ્થળ પર હેલીપેડથી લઈને બેઠક વ્યવસ્થા સુધીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.








































