ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર કોંઢ ગામ પાસે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નર્મદા કેનાલના ઊંડા પાણીમાં કાર પડી જતાં હળવદના એક દંપતી પૈકી પત્નીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે પતિ કારમાંથી સમયસર બહાર નીકળીને ચમત્કારિક રીતે બચી ગયા છે.મળતી માહિતી અનુસાર, મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામના વતની અને હાલ હળવદમાં રહેતા આ દંપતી ઘઉં લેવા માટે કાર લઈને હળવદથી નીકળ્યા હતા.
રાત્રિના સમયે જ્યારે તેઓ ધ્રાંગધ્રાના કોંઢ ગામ પાસે પહોંચ્યા ત્યારે અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો. ત્યારબાદ કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી નર્મદા કેનાલના ઊંડા પાણીમાં ખાબકી ગઈ.કાર પાણીમાં પડતાની સાથે જ પતિએ તરત જ સમયસૂચકતા દાખવીને કારનો દરવાજા ખોલી નાખ્યો અને કોઈક રીતે બહાર નીકળીને જીવ બચાવ્યો. જાકે,અકસ્માતમાં તેમની પત્ની કારની અંદર જ ફસાઈ ગયાં હતાં અને પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ધ્રાંગધ્રા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી લગભગ ૨ કલાકથી વધુ સમય સુધી ચાલેલા ભારે જહેમત બાદ કાર અને મૃતક મહિલાનો દેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.ધ્રાંગધ્રા પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.








































